પાકિસ્તાની બળાત્કારીઓને બહાર કાઢો! બ્રિટનના આ સાંસદે કરી માંગ, ઇલોન મસ્કે પણ સમર્થન આપ્યું…

લંડન: બ્રિટનમાં છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાની મૂળના બળાત્કારીઓ અને અપરાધીઓને લઈને આકરી બહેસ ચાલી રહી છે. આ ચર્ચા દરમિયાન એક સાંસદે સરકાર સમક્ષ માંગ કરતા કહ્યું હતું કે તમામ પાકિસ્તાની અપરાધીઓને દેશનિકાલ કરવો જોઈએ.
ગ્રેટ યારમાઉથના સાંસદ રૂપર્ટ લોવે કહ્યું હતું કે પાકિસ્તાનીઓને વિઝા જ ન આપવા જોઈએ. સાંસદ રૂપર્ટ લોવ છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાની મૂળના લોકોની વિરુદ્ધ અભિયાન છેડી રહ્યા છે.

બ્રિટનમાં પાકિસ્તાની મૂળના બળાત્કારીઓની ગેંગ?
સાંસદ રૂપર્ટ લોવે તાજેતરમાં જ એક રિપોર્ટ શેર કર્યો હતો, જેનાથી બ્રિટનમાં સનસની ફેલાઈ ગઈ હતી. સાંસદે તેમના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, 5 એવા વિસ્તારો હોવાનું સામે આવ્યું હતું જ્યાં પાકિસ્તાની મૂળના પુરુષોની ગેંગ સક્રિય છે અને નિર્દોષ યુવતીઓને નિશાન બનાવી રહ્યા છે.
આ ભયાવહ માહિતી અપક્ષ સાંસદ રૂપર્ટ લોવ દ્વારા કરવામાં આવેલી તપાસ અહેવાલમાં બહાર આવી છે. રિપોર્ટ મુજબ, આ બળાત્કાર જૂથો દાયકાઓથી આ ઘૃણાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ છે. આ મામલે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક એ પણ રૂપર્ટ લોવની તપાસને સમર્થન આપ્યું છે અને બ્રિટિશ સરકાર પર નિશાન સાધ્યું છે. મસ્કનું કહેવું છે કે આ મુદ્દે સરકારની નિષ્ક્રિયતા ચિંતાજનક છે.
રૂપર્ટ લોવે શું કહ્યું પાકિસ્તાનીઓ વિશે?
ઉલ્લેખનીય છે કે રૂપર્ટ લોવ બ્રિટિશ સંસદમાં એક શક્તિશાળી અવાજ છે. સોમવારે તેમણે X પર એક પોસ્ટમાં જણાવ્યું કે, “જો સરકાર દેશનિકાલની પોતાની ધમકીઓને ગંભીરતાથી લઈ રહી હોય, તો પાકિસ્તાનથી શરૂઆત કરો. જ્યાં સુધી તેઓ દેશનિકાલ કરાયેલા બળાત્કારીઓ/ગુનેગારોને સ્વીકારી ન લે, ત્યાં સુધી પાકિસ્તાનને એક પણ વિઝા જારી ન કરો. આ ઉપરાંત, પાકિસ્તાનને મોકલવામાં આવતી વિદેશી સહાયનો એક પણ રૂપિયો બંધ કરો. આ ખૂબ મુશ્કેલ કામ નથી.”

એલન મસ્કનું પણ છે સમર્થન
ટેસ્લા અને સ્પેસએક્સના વડા એલન મસ્કે પણ બ્રિટનમાં ‘રેપ ગેંગ’ ના મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં તેમણે યુરોપ, ખાસ કરીને બ્રિટનની ઇમિગ્રેશન નીતિઓ પર ચિંતા વ્યક્ત કરી હતી અને તેને યુરોપિયન દેશોમાં વધી રહેલા ગુનાઓ સાથે જોડી હતી.
નાની બોટ દ્વારા ચેનલ પાર કરીને આવતા પ્રવાસીઓની વધતી સંખ્યાને કારણે બ્રિટનમાં ઇમિગ્રેશન એક સંવેદનશીલ મુદ્દો બની ગયો છે. એક અંદાજ મુજબ, ૨૦૨૫ ની શરૂઆતથી અત્યાર સુધીમાં ૩૦,૦૦૦ થી વધુ લોકો આ રીતે બ્રિટન પહોંચ્યા છે.
જેમાંથી ઘણાની શરણ અરજીઓ નામંજૂર કરવામાં આવી છે. પાકિસ્તાન તે દેશોમાં સામેલ છે જ્યાંથી ગુનેગારો અને ગેરકાયદેસર પ્રવાસીઓને પરત મોકલવામાં વિલંબ થાય છે.
આ પણ વાંચો…ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટે આપ્યો મોટો ઝટકો: બળાત્કાર કેસમાં મહિલાને કરોડોનું વળતર ચૂકવવાનો આદેશ…