“રોહિત શર્માની જેમ બહાદુર બનો” પાકિસ્તાનના પૂર્વ ખેલાડીએ શાન મસૂદને આપી સલાહ
મુંબઈ: પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન બાસિત અલી (Basit Ali) અવારનવાર પાકિસ્તાનના ક્રિકેટરોને સલાહ આપતા રહે છે. આવતી કાલે 7મી ઓક્ટોબરથી પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ (PAK vs ENG) વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની શરૂઆત થવાની છે. એવામાં બાસિત અલીએ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન શાન મસૂદ(Shan Masood)ને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) પાસેથી શિખામણ લેવાની સલાહ આપી છે.
મુલતાનમાં પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટની શરૂઆતના બે દિવસ પહેલા ઈંગ્લેન્ડે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. બાસિત અલીએ ટીમના કેપ્ટન શાન મસૂદને હરીફ ટીમની રણનીતિનો સામનો કેવી રીતે કરવો અને બહાદુરીથી જવાબ કેવી રીતે આપવો એ ભારતના કેપ્ટન રોહિત શર્માથી શીખવાની સલાહ આપી.
બાસિતે કેપ્ટન મસૂદને કહ્યું કે તેણે પણ પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવનની અગાઉથી જાહેરાત કરી દેવી જોઈતી હતી. તેમણે કહ્યું કે “શાન મસૂદ સાહેબ, કાઉન્ટર એટેક કર દેના ચાહિયે થા આપકો (તમારે કાઉન્ટર એટેક કરવો જોઈતો હતો).”
તેમણે કટાક્ષ કરતા કહ્યું કે “હજુ મોડું નથી થયું, પીચનું મૂલ્યાંકન કર્યા પછી રવિવારે સવારે ટીમની જાહેરાત કરી દો. વધુમાં શું થશે? એક ભૂલ, તો શું! ભૂલો બાંગ્લાદેશ સામે પણ થઈ હતી. જે વળતો હુમલો કરે છે તે જીતે છે.”
બાસિતે કાનપુરમાં બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માના ‘બોલ્ડ’ નિર્ણયોની પ્રશંસા કરી. બાસીતે કહ્યું કે “શાન, રોહિત શર્મા કી તરહ બહાદુર કેપ્ટન બાનો. આપ ચાહતે હૈ કી કપ્તાની મેં રોહિત શર્મા કે જૈસે બહાદુર બનેં તો ફૈસલે કરે.”
વરસાદને કારણે બે દિવસ મેચ ધોવાવા છતાં, ભારતે તેમની પ્રથમ ઇનિંગ્સમાં વળતો હુમલો કરીને મેચને જીવંત રાખી હતી. ભારતે આખરે સાત વિકેટથી જીતીને સિરીઝ 2-0થી ક્લીન સ્વીપ કરી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સ્ટેન્ડિંગમાં ટોચના સ્થાન પર પર પોતાની પકડ મજબૂત કરી.
ઇંગ્લેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટ 7 ઓક્ટોબરથી મુલતાનમાં શરૂ થશે. આ સિરીઝ પહેલા પાકિસ્તાનને ઘરઆંગણે બાંગ્લાદેશ સામે 0-2થી શરમજનક હાર મળી હતી.