ભારત માટે રાહત, અમેરિકાએ આ તારીખ સુધી ટેરિફ અમલ મુલતવી રાખ્યો

ન્યુયોર્ક : ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થવાની ચર્ચા વચ્ચે મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મંગળવારે 14 દેશો પર ટેરિફ એટેક કર્યો છે. જ્યારે ટેરિફ ડીલની સમય મર્યાદા 9 જુલાઇના રોજ સમાપ્ત થઇ રહી છે. ત્યારે ભારત માટે રાહતના સમાચાર છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પ્રત્યે નરમ વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે ભારત પર ટેરિફ લાદવાનો નિર્ણય 1 ઓગસ્ટ સુધી મુલતવી રાખ્યો છે. આ નિર્ણયથી ભારતીય નિકાસકારોને રાહત મળશે.
ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવા માટે સમય મળશે
આ ઉપરાંત ભારત અને અમેરિકાને ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવા માટે બાકી રહેલા મુદ્દાઓને ઉકેલવા માટે વધારાનો સમય મળશે. ટ્રમ્પ વહીવટીતંત્રે સોમવારે વિવિધ દેશોને લેટર મોકલ્યા હતા જેમાં તે દેશોના ઉત્પાદનો પર અમેરિકા દ્વારા લાદવામાં આવનારી ડ્યુટીની વિગતો આપવામાં આવી હતી. જોકે, આ દેશોમાં ભારતનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.
અમેરિકા ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર
ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ 2021-22 થી અમેરિકા ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર રહ્યું છે. વર્ષ 2024-25માં દ્વિપક્ષીય વેપાર 131.84 બિલિયન ડોલર હતો. જેમાં 86.51 અબજ ડોલરની નિકાસ અને 45.33 અબજ ડોલરની આયાત અને 41.18 અબજ ડોલરના ટ્રેડ સરપ્લસનો સમાવેશ થાય છે.
ભારતે વલણ સ્પષ્ટ કર્યું
આંતરરાષ્ટ્રીય વેપાર નિષ્ણાતોના મતે ભારત અને યુએસ દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે. ભારતે વચગાળાના વેપાર કરાર પર યુએસ અધિકારીઓ સમક્ષ પોતાનો વલણ સ્પષ્ટ કરી દીધું છે અને હવે યુએસે નિર્ણય લેવો પડશે.
જાપાન અને દક્ષિણ કોરિયા માટે નવા ટેરિફ દરોની જાહેરાત
આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરની ફરી શરૂઆત થઇ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાન અને દક્ષિણ કોરિયા માટે નવા ટેરિફ દરોની જાહેરાત કરી છે. સોમવારે અમેરિકન વહીવટીતંત્રે જાપાન અને દક્ષિણ કોરિયા પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી. અમેરિકાએ કહ્યું કે 1 ઓગસ્ટ, 2025 થી બંને દેશો પર નવા ટેરિફ દર લાગુ થશે. ખાસ વાત એ છે કે જાપાન અને દક્ષિણ કોરિયા બંને એશિયામાં અમેરિકાના સાથી છે