ઇન્ટરનેશનલ

ચીનમાં વરસાદે મચાવી તબાહી, છેલ્લા બે મહિનામાં 150થી વધુ લોકોના મોત

બીજિંગ: ચીનમાં છેલ્લા 2 મહિનામાં મુશળધાર વરસાદે 150 થી વધુ લોકોના જીવ લીધા છે. દક્ષિણ ચીનમાં છેલ્લા બે મહિનામાં ભારે વરસાદ અને પૂરના કારણે 150થી વધુ લોકોના મોત થયા છે. તાજેતરમાં જ સિચુઆન પ્રાન્તના એક પર્વતીય તિબેટીયન વિસ્તારમાં પૂર અને ભૂસ્ખલનના કારણે આઠ લોકોના મોત થયા હતા અને 19 અન્ય લોકો હજુ પણ ગુમ છે.
સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆએ જણાવ્યું હતું કે વહેલી સવારની દુર્ઘટનામાં આવેલા ભૂસ્ખલનમાં અનેક ઘરો નષ્ટ પામ્યા હતા અને રિડી ગામમાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા હતા. બે ટનલ વચ્ચેનો પુલ તૂટી પડવાથી અને ચાર વાહનો ડૂબી જતા વધુ બે લોકોનાં મોત થયાં અને આઠ લોકો ગુમ થયાં છે.

ચીનના નિષ્ણાંતોએ અનેક વખત ચેતવણી આપી હતી કે સરકારે કુદરતી આફતો સામે લડવા માટે વધુ સારી તૈયારીઓ કરવાની જરૂર છે. ચીનમાં પૂરની સ્થિતિ જૂલાઇ મધ્યથી લઇને ઓગસ્ટ મહિનાના મધ્ય સુધી રહે છે.

આ પણ વાંચો: ચીનમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલન થતાં ૧૧નાં મોત

આબોહવા પરના વાર્ષિક સરકારી અહેવાલમાં ગયા મહિને જણાવાયું હતું કે ઐતિહાસિક ડેટા દર્શાવે છે કે ચીનમાં ભારે વરસાદ અને ગરમી બંન્નેમાં વધારો થયો છે. સરકારી ટીવી ચેનલ સીસીટીવી અનુસાર, જૂનથી અત્યાર સુધીમાં અનેક જીવલેણ વરસાદ વરસ્યો છે.

લગભગ 10 દિવસ પહેલા ચીનમાં ટાયફૂન ગેમી બાદ વરસેલા વરસાદથી હુનાન પ્રાંતમાં ઓછામાં ઓછા 48 લોકો માર્યા ગયા હતા. જૂનના મધ્યમાં ગુઆંગઝુ પ્રાંતમાં અતિ ભારે વરસાદ પછી પૂર અને ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા 47 લોકોના મોત થયા હતા. ફુજિયન પ્રાંતમાં વધુ છ લોકોના મોત થયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button