અમે પણ મેક ઇન ઇન્ડિયાનું અનુકરણ કરીશુઃ પીએમ મોદી પર ઓવારી ગયા પુતિન
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. પીએમ મોદીના વખાણ કરતા તેમણે કહ્યું કે ભારતીય વડાપ્રધાન દેશના લોકોના હિતોની રક્ષા માટે કડક વલણ અપનાવે છે. રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ નિર્ણય લેવા પીએમ મોદી પર દબાણ લાવવું અશક્ય છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે પીએમ મોદીની નીતિ નવી દિલ્હી અને મોસ્કો વચ્ચેના ગાઢ સંબંધોની ગેરંટી છે.
એક મીડિયા ઇન્ટરવ્યુમાં, રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે ‘હું કલ્પના કરી શકતો નથી કે મોદીને ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે અથવા ભારત અને ભારતીય લોકોના રાષ્ટ્રીય હિત વિરુદ્ધ કોઈ પગલાં અથવા નિર્ણય લેવા માટે દબાણ કરવામાં આવે. જોકે, તેમની પર આવું દબાણ પણ કરવામાં આવે છે, પણ પીએમ મોદી આવા દબાણને વશ થતા નથી. તેમને માટે રાષ્ટ્ર સર્વોપરી છે.
રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે સાચું કહું તો ભારતીય લોકોના રાષ્ટ્રીય હિતોની રક્ષા અંગેના તેમના કડક વલણથી કેટલીકવાર મને આશ્ચર્ય થાય છે. રશિયાના રાષ્ટ્રપતિએ એ પણ નોંધ્યું કે રશિયા-ભારત સંબંધો સતત તમામ દિશામાં વિકાસ કરી રહ્યા છે અને તેની મુખ્ય ગેરંટી વડાપ્રધાન મોદીની નીતિ છે.
રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે, “નરેન્દ્ર મોદી રશિયાના નજીકના મિત્ર છે. પીએમ મોદીએ થોડા વર્ષો પહેલા મેક ઈન ઈન્ડિયા યોજના લાગુ કરી હતી. આ યોજનાની ભારતના અર્થતંત્ર પર સકારાત્મક અસર પડી હતી. જો અમે પણ મેક ઈન ઈન્ડિયાને અનુસરીએ તો તેમાં કોઈ નુકસાન નથી.
ભલે આ અમારી યોજના નથી પણ અમારા મિત્રની છે.” આ પહેલા પણ પુતિને ઘણી વખત પીએમ મોદીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે પીએમ મોદી સાથે અમારા ઘણા સારા રાજકીય સંબંધો છે. તેઓ ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ છે. તેમના નેતૃત્વમાં ભારત વિકાસના ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી રહ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ દ્વારા પીએમ મોદીના વખાણને એ સંકેત તરીકે પણ જોવામાં આવી રહ્યું છે કે ભારત રશિયા માટે મહત્વપૂર્ણ છે.