‘પુતિન સંપૂર્ણપણે સ્વસ્થ છે..’ ક્રેમલિન પ્રવક્તા પેસકોવે પુતિનના હાર્ટએટેકની વાત ફગાવી

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના સ્વાસ્થ્ય અંગેની અફવાઓનું ક્રેમલિને ખંડન કર્યું છે. પત્રકારો સાથેની વાતચીતમાં ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે એ વાતને પણ રદિયો આપ્યો હતો કે પુતિન તેમના બોડી ડબલનો ઉપયોગ કરે છે.
થોડા સમય પહેલા કેટલાક પશ્ચિમી મીડિયા અહેવાલોમાં એવા સમાચાર સામે આવ્યા હતા કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને તેઓ અચાનક ઢળી પડ્યા હતા. ક્રેમલિનના આંતરિક સૂત્રો દ્વારા સંચાલિત ટેલીગ્રામ ચેનલની પોસ્ટમાં આ દાવો કરવામાં આવ્યો હતો. જો કે હવે આ દાવાને રશિયાએ સત્તાવાર રીતે નકારી દીધો છે.
વર્ષ 2022 બાદ અનેક રિપોર્ટ્સમાં વારંવાર એવી વિગતો સામે આવતી રહી છે કે પુતિન કેન્સર કે પાર્કિન્સન્સ જેવી બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા છે પરંતુ ક્રેમલિને સતત આ અફવાઓનું ખંડન કર્યું છે. વ્લાદિમીર પુતિન 7 ઓક્ટોબરે 71 વર્ષના થયા. તેઓ સતત બેઠકો અને જાહેર કાર્યક્રમોનું વ્યસ્ત શેડ્યૂલ રાખે છે. જેમાંથી ઘણા ટેલિવિઝન પર પ્રસારિત પણ થાય છે. આવા જ એક વર્ષ 2020ના ઇન્ટરવ્યુમાં પુતિને પોતે લાંબા સમયથી ચાલતી તેમની અફવાઓને નકારી કાઢી હતી કે તેઓ બોડી ડબલનો ઉપયોગ કરતા હોય છે, જો કે ફકત એકવાર સુરક્ષાના કારણોસર ભૂતકાળમાં એક બોડી ડબલનો ઉપયોગ કરાયો હોવાનું તેમણે કબૂલ્યું હતું.