Bangladesh માં ફરી વિરોધ પ્રદર્શન શરુ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ

ઢાકા : બાંગ્લાદેશમાં(Bangladesh)શુક્રવારે ફરી વડાપ્રધાન શેખ હસીના અને તેમની સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. જુલાઈમાં નોકરીઓમાં અનામતના વિરોધમાં થયેલા હિંસક વિરોધ દરમિયાન 200 થી વધુ લોકોના મૃત્યુ માટે ન્યાયની માંગ કરવા માટે આ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને, સરકારે દેશભરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો છે. શુક્રવારે હસીના સરકારે Instagram,YouTube,Tiktok,WhatsApp,YouTube અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો.
મીડિયા અહેવાલ મુજબ શુક્રવારથી દેશભરમાં સોશિયલ મીડિયા પર કામચલાઉ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અગાઉ તુર્કીએ પણ આવી જ કાર્યવાહી કરી હતી અને ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ મૂક્યો હતો. બાંગ્લાદેશ સરકારે બપોરે 12 વાગ્યા પછી મોબાઈલ પર મેટા પ્લેટફોર્મનું નેટવર્ક મર્યાદિત કરી દીધું. રિપોર્ટ્સ અનુસાર, ઈન્ટરનેટની સ્પીડ પણ ધીમી કરવામાં આવી છે જેથી VPNનો ઉપયોગ કરીને પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકાતો નથી. ઈન્ટરનેટ સૌપ્રથમ 17મી જુલાઈએ બંધ કરવામાં આવ્યું હતું. આ પછી 18 જુલાઈના રોજ બ્રોડબેન્ડ ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. 28મી જુલાઈ સુધી મોબાઈલ નેટવર્ક પર પ્રતિબંધ હતો.
ફરી પ્રદર્શન શરૂ થયું
રાજધાની ઢાકાના જુદા જુદા ભાગોમાં બે હજારથી વધુ પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. જેમાંથી કેટલાક પીડિતો માટે ન્યાય જેવા સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. જ્યારે પોલીસ અધિકારીઓ તેમની આસપાસ એક વર્તુળમાં ઉભા હતા. ઢાકાના ઉત્તરા વિસ્તારમાં પોલીસ અને ડઝનેક વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જ્યારે સુરક્ષા અધિકારીઓએ પથ્થરમારો કરનારા વિરોધીઓને વિખેરવા માટે ટીયર ગેસ અને સ્ટન ગ્રેનેડ છોડ્યા હતા.