ઈરાની શાસન સામે લંડનમાં આક્રોશ, પ્રદર્શનકારીએ દૂતાવાસ પર ચડી ફરકાવ્યો ૧૯૭૯ પૂર્વેનો ધ્વજ; જુઓ વીડિયો

લંડન: ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનોને હવે બે અઠવાડિયા જેટલો સમય વીતી ચૂક્યો છે, પરંતુ સ્થિતિ થાળે પડવાના બદલે વધુ સ્ફોટક બની રહી છે. મોંઘવારી અને સરકારી નીતિઓથી કંટાળેલી જનતા રસ્તા પર ઉતરી આવી છે. આંદોલનની જ્વાળા હવે વૈશ્વિક સ્તરે પ્રસરી રહી છે. લંડનના કેન્સિંગ્ટન સ્થિત ઈરાની દૂતાવાસ ખાતે ગત ૯ જાન્યુઆરીએ એક ચોંકાવનારી ઘટના બની હતી, એક પ્રદર્શનકારીએ ઈરાનના વર્તમાન રાષ્ટ્રધ્વજને ઉતારીને ૧૯૭૯ની ક્રાંતિ પૂર્વેનો ‘સિંહ અને સૂર્ય’નો ધ્વજ લહેરાવી વિરોધ નોંધાવ્યો હતો.
મળતી વિગતો અનુસાર, લંડનના કેન્સિંગ્ટન સ્થિત ઈરાની દૂતાવાસ ખાતે ગત ૯ જાન્યુઆરીએ એક ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં એક પ્રદર્શનકારી દૂતાવાસની બાલ્કની પર ચઢી ગયો હતો અને ઈરાનની ૧૯૭૯ની ક્રાંતિ પૂર્વેનો ‘સિંહ અને સૂર્ય’ (Lion and Sun) અંકિત ધ્વજ લહેરાવ્યો હતો. આ સમયે દૂતાવાસની બહાર મોટી સંખ્યામાં એકઠા થયેલા દેખાવકારોએ વર્તમાન ઈરાની શાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને એકતા દર્શાવી હતી.
ઈરાનમાં ૨૮ ડિસેમ્બરથી શરૂ થયેલું આ આંદોલન વર્તમાન શાસન માટે છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી મોટો પડકાર સાબિત થઈ રહ્યું છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઈરાની સરકારે ઈન્ટરનેટ અને ફોન સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે, છતાં પ્રદર્શનકારીઓ મક્કમ છે. અહેવાલો અનુસાર, આ હિંસક સંઘર્ષમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૬૨ લોકોના મોત થયા છે અને ૨,૩૦૦થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.
લંડનમાં બનેલી આ ઘટના બાદ મેટ્રોપોલિટન પોલીસે સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરી દીધી છે. બ્રિટિશ વડાપ્રધાન કેર સ્ટાર્મરે ઈરાનમાં થઈ રહેલી હત્યાઓની આકરી નિંદા કરી છે અને ત્યાંની સરકારને સંયમ જાળવવા અપીલ કરી છે. લંડનમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શને આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ખેંચ્યું છે, જ્યાં લોકોએ પ્રતિકાત્મક રીતે જૂનો ધ્વજ લહેરાવીને વર્તમાન ઈસ્લામિક શાસનનો વિરોધ નોંધાવ્યો હતો.



