યુકેની મુલાકાત વખતે ‘શાહી નિવાસને બદલે હોટેલ રોકાણ પસંદ કરતા પ્રિન્સ હેરી
પ્રિન્સ હેરીએ આગામી અઠવાડિયે ઇન્વિક્ટસ ગેમ્સની પ્રતિબદ્ધતાઓ માટે યુકેની મુલાકાત લેવાના છે. પિતા અને ભાઇના જ શહેરમાં હોવા છતાં, તેઓ કિંગ ચાર્લ્સ અને પ્રિન્સ વિલિયમના વ્યસ્ત સમયપત્રકને કારણે તેઓ તેમના પરિવારને મળી નહીં શકે. અગાઉના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે રાજાએ તેના સૌથી નાના પુત્રને મળવાનો ઇનકાર કર્યો છે. જોકે, મહેલના અંદરના લોકો દ્વારા નકારી કાઢવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે પ્રિન્સ ચાર્લ્સે ડ્યુકને શાહી નિવાસની ઓફર પણ કરી છે, પરંતુ તેમણે આ ઓફર ઠુકરાવી દીધી છે અને હોટેલમાં રહેવાનું નક્કી કર્યું છે.
2023 ના ઉનાળામાં કિંગ ચાર્લ્સ દ્વારા ફ્રોગમોર કોટેજ છોડવા માટે કહેવામાં આવ્યા પછી હેરી અને તેની પત્ની મેઘન માર્કલ પાસે હવે યુકેમાં રહેઠાણ નથી. અહેવાલો અનુસાર પ્રિન્સ ચાર્લ્સે તેમના અલગ રહેતા પુત્રને શાહી નિવાસસ્થાનમાં રહેવાની મંજૂરી દર્શાવી હતી, પરંતુ પ્રિન્સ હેરી દ્વારા આ વિનંતીને નકારી કાઢવામાં આવી હતી. તેના બદલે હેરીએ હોટલમાં રહેવાનું પસંદ કર્યું હોવાનું કહેવાય છે.
પ્રિન્સ ચાર્લ્સના નજીકના લોકોએ જણાવ્યું હતું કે જો પ્રિન્સ હેરીએ શાહી નિવાસ સ્થાનમાં રહેવાની ઓફરનો ઇન્કાર ના કર્યો હોત તો પિતા પ્રિન્સ ચાર્લ્સ અને પુત્ર હેરી વચ્ચે ખાનગી મીટિંગ શક્ય બની હોત. જોકે, પ્રિન્સ હેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને તેમના પિતાના વ્યસ્ત શેડ્યુલની જાણ હોવાથી યુકેની ટ્રીપ પહેલા જ તેમણે પિતાના મળવા માટે ગોઠવણી કરવાના પ્રયાસો કર્યા હતા. જોકે, મહેલના વર્તુળો કંઇ અલગ જ વાત જણાવી રહ્યા છે કે પ્રિન્સ હેરીએ ક્યારેય તેમના બીમાર પિતાની ખબર કાઢવાનો પ્રયાસ નથી કર્યો કે રમતોમાં ભાગ લેવા આમંત્રણ નથી આપ્યું.
નોંધનીય છે કે પ્રિન્સ હેરી તેમની પત્ની મેઘન અને બે બાળકો: પ્રિન્સ આર્ચી અને પ્રિન્સેસ લિલિબેટ સાથે કેલિફોર્નિયામાં રહે છે. પ્રિન્સ હેરી અને પ્રિન્સ વિલિયમ વચ્ચે તણાવપૂર્ણ સંબંધ હોવા છતાં પણ રાજવી પરિવારની મહત્વની ક્ષણોમાં તેઓ સાથે જોવા મળ્યા છે. પ્રિન્સ વિલિયમની પત્ની કેટના કેન્સરના સમાચાર જાણ્યા બાદ પ્રિન્સ હેરી અને તેમની પત્ની મેઘને તેમને શુભેચ્છા સંદેશ પણ મોકલ્યો હતો.