G7 સમિટ દરમિયાન વડા પ્રધાન મોદી પોપ ફ્રાન્સિસને ગળે મળ્યા, ભારત આવવાનું આમંત્રણ
રોમ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) શુક્રવારે દક્ષિણ ઇટાલીના અપુલિયામાં યોજાયેલા G7 સમિટ(G7 Summit)ના ‘આઉટરીચ સત્ર’ દરમિયાન પોપ ફ્રાન્સિસ(Pop Francis)ને મળ્યા હતા. વડા પ્રધાન મોદી 87 વર્ષીય પોપ ફ્રાન્સિસ સાથે હળવાશથી વાતચીત કરતા જોવા મળ્યા હતા. વડા પ્રધાન મોદી પોપ ફ્રાન્સિસને મળ્યા હતા, અને ભારત આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું.
પોપે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ઉર્જા, આફ્રિકા અને ભૂમધ્ય સમુદ્ર પરના ‘આઉટરીચ સેશન’માં તેમના સંબોધનમાં કહ્યું, “AIનો વધુ સારો ઉપયોગ કરવો એ આપણામાંના દરેક પર નિર્ભર છે.”
વડા પ્રધાન કાર્યાલય (PMO) અનુસાર, ભારત અને હોલી સી (કેથોલિક ચર્ચની વેટિકન સ્થિત સરકાર) 1948 માં રાજદ્વારી સંબંધોની સ્થાપનાથી મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. ભારત એશિયામાં બીજા નંબરનો સૌથી વધુ કેથોલિક વસ્તી ધરાવતો દેશ છે, આવતા વર્ષે પોપ ભારતની મુલાકાત લે તેવી શક્યતા છે.
ફરીદાબાદ સિરો-માલાબાર ડાયોસીસના આર્કબિશપ કુરિયાકોસે ભરનીકુલંગારાએ જણાવ્યું હતું કે પીએમ મોદી શુક્રવારે ‘આઉટરીચ સેશન’માં પોપ ફ્રાન્સિસને મળ્યા હતા. ખ્રિસ્તી સમાજ માટે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે આ બેઠક ખૂબ જ સારા સંકેત છે. ક્રિસમસ દરમિયાન પણ વડા પ્રધાન મોદી દ્વારા ક્રિસમસ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
અગાઉ વડા પ્રધાન મોદીએ ઑક્ટોબર 2021 માં વેટિકનના એપોસ્ટોલિક પેલેસમાં એક બેઠક દરમિયાન પોપ ફ્રાન્સિસને મળ્યા હતા. એ દરમિયાન, બંને નેતાઓએ કોવિડ -19 રોગચાળા અને વિશ્વભરના લોકો પર તેની અસરો વિશે ચર્ચા કરી હતી. તેમણે ક્લાઈમેટ ચેન્જને કારણે ઊભા થયેલા પડકારોની પણ ચર્ચા કરી હતી.
G7ના નેતાઓ અને ‘ગ્લોબલ સાઉથ’ના નેતાઓએ સત્રમાં ભાગ લીધો હતો. તેમણે વિશ્વના અન્ય નેતાઓ સાથે પણ મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી.