ઈટાલીમાં બુરખા પર પ્રતિબંધની તૈયારી! મેલોની સરકારે બિલ રજૂ કર્યું, તોડનારને ₹3 લાખનો દંડ

રોમ: ઈટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીની સરકારે દેશમાં સાર્વજનિક સ્થળોએ બુરખા અને નકાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, સત્તાધારી પક્ષ બ્રધર્સ ઓફ ઈટાલીના સાંસદો દ્વારા સંસદમાં સાર્વજનિક સ્થળોએ બુરખા અને નકાબ પહેરવા પર પ્રતિબંધ સંબંધિત એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેનો હેતુ ઈસ્લામ સાથે જોડાયેલા સાંસ્કૃતિક અલગાવવાદનો સામનો કરવાનું છે.
જાહેર સ્થળો પર સંપૂર્ણ પ્રતિબંધ અને ભારે દંડ
આ બિલ જો કાયદો બનશે, તો તે સમગ્ર દેશમાં તમામ સાર્વજનિક સ્થળો, શાળાઓ, યુનિવર્સિટીઓ, દુકાનો અને ઓફિસોમાં ચહેરો ઢાંકતા કપડાં (બુરખા કે નકાબ) પર પ્રતિબંધ મૂકવામાં આવશે. કાયદાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ પર 300 થી 3,000 યુરો એટલે અંદાજે રૂ. 30,000 થી રૂ. 3 લાખ સુધીનો ભારે દંડ લાદવામાં આવી શકે છે.
બિલ રજૂ કરનારા સાંસદોના જણાવ્યા મુજબ, ઈટાલીએ આ પગલા માટે ફ્રાન્સ પાસેથી પ્રેરણા લીધી છે, જે 2011માં સાર્વજનિક સ્થળોએ બુરખા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકનારો પ્રથમ યુરોપીય દેશ બન્યો હતો. આ પ્રકારનો પ્રતિબંધ લાદનારો ઇટલી એક માત્ર દેશ નથી પરંતુ આ પહેલા ઓસ્ટ્રિયા, ટ્યુનિશિયા, તુર્કી, શ્રીલંકા અને સ્વિટ્ઝર્લેન્ડ સહિત વિશ્વભરના 20થી વધુ દેશોમાં પહેલેથી જ સાર્વજનિક સ્થળોએ બુરખા પહેરવા પર કોઈને કોઈ પ્રકારનો આંશિક કે સંપૂર્ણ પ્રતિબંધ અમલમાં છે.
ઉલ્લેખનીય છે કે આ પ્રતિબંધોને યુરોપીય માનવાધિકાર અદાલત (ECHR)નું પણ સતત સમર્થન મળ્યું છે. 2017માં, ECHR એ બેલ્જિયમમાં બુરખા અને સંપૂર્ણ ચહેરાના ઘૂંઘટ પરના પ્રતિબંધને બરકરાર રાખ્યો હતો. કોર્ટે ત્યારે ચુકાદો આપ્યો હતો કે કોઈ પણ દેશની સરકાર સમાજમાં “એક સાથે રહેવા” (living together)ના વિચારની રક્ષા કરવા માટે આવા વસ્ત્રો પર પ્રતિબંધ મૂકી શકે છે.
આ પણ વાંચો…PM મોદીએ લખી ઈટલીના PM મેલોનીની આત્મકથાની પ્રસ્તાવના: કહ્યું, ‘મન કી બાત’થી મળી પ્રેરણા!