ઇન્ટરનેશનલ

મૃત્યુ બાદ પણ પોપ ફ્રાન્સિસને ગાઝાના બાળકોની ચિંતા! પોપમોબાઇલ ગાઝામાં બાળકોના જીવ બચાવશે

વેટિકન: કેથોલિક ચર્ચના વડા પોપ ફ્રાન્સિસનું ગત મહીને 21 એપ્રિલ 2025ન રોજ 88 વર્ષની વયે વેટિકનમાં અવસાન થયું. પોપ ફ્રાન્સિસના પાર્થિવ દેહને રોમના સાન્ટા મારિયા મેગીઓર દફનાવવામાં આવ્યો. હાલ લોકો પોપ ફ્રાન્સિસે માનવતા માટે કરેલા કાર્યોને યાદ કરી રહ્યા છે. પોપ ફ્રાન્સિસ ગાઝાના બાળકો માટે ભેટ છોડીને ગયા છે. પોપ ફ્રાન્સિસની અવરજવર માટે વપરાતું વાહન ‘પોપમોબાઈલ’ને મોબાઇલ હેલ્થ ક્લિનિકમાં મોડિફાઇ કરવામાં આવશે, જેને ગાઝામાં બાળકોની સારવાર માટે તૈનાત કરવામાં (Popemobile in Gaza) આવશે.

વેટિકનના સત્તાવાર મીડિયા આઉટલેટે આ અંગે માહિતી જાહેર કરી છે. અહેવાલ મુજબ પોપની અંતિમ ઇચ્છાઓમાંની એક હતી કે તેમના મૃત્યુ પછી પોપમોબાઈલનો ઉપયોગ ગાઝામાં બાળકોની સારવાર માટે કરવામાં આવે. વેટિકન ન્યૂઝે જણાવ્યું હતું કે પોપ ફ્રાન્સિસે મૃત્યુના થોડા મહિના પહેલા કેથોલિક સહાય સંસ્થા કેરિટાસ જેરુસલેમને આ જવાબદારી સોંપી હતી. 2014માં ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનની મુલાકાત દરમિયાન પોપે આ વાહનનો ઉપયોગ કર્યો હતો, તેમણે આ વાહનને પેલેસ્ટાઇનના બાળકોની સારવાર માટે સોંપવા ઈચ્છા વ્યક્ત કરી હતી.

અહેવાલ મુજબ આ પગલાને પ્રતીકાત્મક માનવામાં આવી રહ્યું છે. જે દુનિયાને ગાઝાના બાળકોની મદદે આવવા અપીલ છે. પોપ ફ્રાન્સિસે ડિસેમ્બર 2024માં ઇઝરાયેલના ગાઝા પર બોમ્બમારાને વખોડી કાઢ્યો હતો. પોપે ઇઝરાયેલના હુમલાને યુદ્ધ નહીં પણ ક્રુરતા ગણાવી હતી.

બાળકોના જીવ બચશે:
નોંધનીય છે કે ઇઝરાયેલના સતત હુમલાથી ગાઝામાં લગભગ તમામ હેલ્થ કેર સર્વિસ બરબાદ થઈ ગઈ છે. ઇઝરાયેલે ગાઝામાં પહોંચતી મેડીકલ સપ્લાય પણ બંધ કરી દીધી છે. એવામાં ‘પોપમોબાઈલ’ ગાઝાના શક્ય તેટલા બાળકોનો જીવ બચાવવા પ્રયત્ન કરશે.

આ મોબાઇલ યુનિટમાં રેપીડ ઇન્ફેકશન ટેસ્ટ, વેક્સિન, મેડીકલ ઈક્વિપમેન્ટ અને દવાઓથી સજ્જ હશે, અને તેમાં તબીબી કર્મચારીઓનો સ્ટાફ તૈનાત રહેશે. પોપ ફ્રાન્સિસ પાસે ઘણી પોપમોબાઈલ હતી, જેમાં 2014માં ઇઝરાયલ અને પેલેસ્ટિનિયન પ્રદેશોની મુલાકાત દરમિયાન ઉપયોગમાં લેવાયેલી આ પોપમોબાઈલ ત્યાં જ રાખવામાં આવી હતી.

આ પ્રોજેક્ટની સરાહના:
સ્વીડનના કાર્ડિનલ એન્ડર્સ આર્બોરેલિયસે સોમવારે એક ઇમેઇલમાં જણાવ્યું, “પોપમોબાઇલ એ ખૂબ જ નક્કર સંકેત છે કે પોપ ફ્રાન્સિસ મૃત્યુ પછી પણ ગાઝામાં બાળકોની વેદનાઓ પ્રત્યે ચિંતિત છે.”

આ પ્રોજેક્ટને સમર્થન આપતા કેરિટાસ સ્વીડનના સેક્રેટરી જનરલ પીટર બ્રુને વેટિકન ન્યૂઝને જણાવ્યુ, “જ્યારે ગાઝામાં હેલ્થ કેર સર્વિસ સંપૂર્ણપણે પડી ભાંગી છે ત્યારે આ એક નક્કર, જીવન બચાવનાર પગલું છે. આ ફક્ત એક વાહન નથી, તે એક સંદેશ છે કે દુનિયા ગાઝાના બાળકોને ભૂલી નથી ગઈ.”

આ પણ વાંચો હવે ભારત પાકિસ્તાનને આર્થિક રીતે ઘેરશે! એડીબીને ફંડ ઘટાડવાની કરી માગ

પોપ ગાઝાના બાળકો અંગે સતત ચિંતત રહેતા:
અહેવાલ મુજબ પોપ ફ્રાન્સિસ ગાઝામાં ઉભી થયેલી સ્થિતિ અંગે સતત ચિંતત રહેતા. ગાઝામાં ઓછી સંખ્યામાં ખ્રિસ્તી લોકો રહે છે. વેટિકનના જણાવ્યા મુજબ કે ઓક્ટોબર 2023 માં હુમલો શરુ થયા બાદ પોપ ફ્રાન્સિસ લગભગ દરરોજ ગાઝામાં હોલી ફેમિલી ચર્ચને ફોન કરતા હતા.

પોપ ફ્રાન્સિસે ડિસેમ્બર 2024 ના સંબોધનમાં કહ્યું હતું “ગઈકાલે, બાળકો પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો, આ ક્રૂરતા છે. આ યુદ્ધ નથી.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button