આર્થિક સંકટમાંથી ઉગારવા માટે પાકિસ્તાનના પીએમે કરી મોટી જાહેરાત
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફની નવી ચૂંટાયેલી સરકારે દેશના આર્થિક પુનરુત્થાન માટે એક વ્યાપક પાંચ વર્ષની બ્લુપ્રિન્ટ પર કામ કરવાનું નક્કી કર્યું છે.
આ વ્યૂહાત્મક બ્લુ પ્રિન્ટ મોંઘવારી, ગરીબી નાબૂદી અને રોજગાર સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરશે. આઇટી રાજ્ય મંત્રી શાઝા ફાતિમા ખ્વાજાએ બેઠક બાદ જણાવ્યું હતું કે પ્રથમ બેઠકમાં વડા પ્રધાને વિવિધ મંત્રાલયો અને વિભાગો પાસેથી અનુમાન માંગ્યા હતા અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી(આઇટી), કૃષિ ઉદ્યોગ, ઉર્જા, ખાદ્ય અને પશુધન, એફબીઆર(ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુ)માં સુધાર, વ્યવસાય કરવામાં સરળતા વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં પાંચ વર્ષના લક્ષ્યાંકો નક્કી કરવા માટે મંત્રાલયોમાં પાછા જવા માટે એક સમિતિની રચના કરી.
ખ્વાજાએ જણાવ્યું હતું કે મંત્રાલયો અને વિભાગો પાસેથી જરૂરી માહિતી મેળવ્યા બાદ સમિતિ તમામ ક્ષેત્રો માટે પાંચ વર્ષના લક્ષ્યાંક સાથે એક સંકલિત દસ્તાવેજ તૈયાર કરશે. તેમજ પાંચ વર્ષની બ્લૂ પ્રિન્ટ પર ટૂંક સમયમાં ઘણી બેઠકો યોજવામાં આવશે.
પ્રધાન મંત્રીએ કહ્યું કે પ્રોજેક્ટના અમલીકરણનું શેડ્યૂલ રજૂ કરવું જોઇએ અને કૃષિ, પશુધન, ઇન્ફર્મેશન ટેક્નોલોજી, વિદેશી રોકાણ અને નાના અને મધ્યમ ઉદ્યોગોના ક્ષેત્રોમાં પ્રગતિને વેગ આપવા માટે અગ્રતાના ધોરણે પગલાં લેવા જોઇએ. તેમણે કહ્યું કે સરકાર પોતાનો ખર્ચ ઘટાડશે અને ગરીબોના પૈસાનો વધુ બગાડ થવા દેશે નહીં.