PM મોદીએ લખી ઈટલીના PM મેલોનીની આત્મકથાની પ્રસ્તાવના: કહ્યું, ‘મન કી બાત’થી મળી પ્રેરણા!

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીની આત્મકથા “આઈ એમ જ્યોર્જિયા – માય રૂટ્સ, માય પ્રિન્સિપલ્સ” માટે પ્રસ્તાવના લખી છે. તેમણે લખ્યું છે કે આ આત્મકથા તેમના માસિક રેડિયો શો, “મન કી બાત” થી પ્રેરિત છે. પીએમ મોદીએ એમ પણ લખ્યું છે કે પ્રસ્તાવના લખવી એ તેમના માટે એક મહાન સન્માન છે અને મેલોની માટે રહેલા આદર, પ્રશંસા અને મિત્રતાને કારણે તેઓ આ લખી રહ્યા છે. પુસ્તકની પ્રસ્તાવનામાં, વડા પ્રધાને મેલોનીને દેશભક્ત અને એક ઉત્કૃષ્ટ સમકાલીન નેતા તરીકે વર્ણવ્યા છે.
જ્યોર્જિયા મેલોનીની આત્મકથાનું ભારતીય સંસ્કરણ ટૂંક જ સમયમાં પ્રકાશિત થશે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં, પીએમ મોદીએ એ વાતનો ઉલ્લેખ કરતાં યાદ અપાવ્યું છે કે કેવી રીતે છેલ્લા ૧૧ વર્ષોમાં તેમણે વિશ્વના અનેક નેતાઓ સાથે વાતચીત કરી છે, જેમાંથી દરેકની જીવનયાત્રા અલગ-અલગ રહી છે અને કેવી રીતે તેમની યાત્રાઓ વ્યક્તિગત વાર્તાઓથી આગળ વધીને કોઈક મોટી વાતને વ્યક્ત કરે છે.
અહેવાલ અનુસાર, પ્રસ્તાવનામાં પીએમ મોદીએ લખ્યું છે કે, “વડા પ્રધાન મેલોનીનું જીવન અને નેતૃત્વ આપણને આ શાશ્વત સત્યોની યાદ અપાવે છે… ભારતમાં તેમને એક ઉત્કૃષ્ટ સમકાલીન રાજકીય નેતા અને દેશભક્તની તાજેતરની કથા તરીકે વખાણવામાં આવશે… દુનિયા સાથે સમાન સ્તરે જોડાઈને પોતાની સાંસ્કૃતિક વિરાસતની રક્ષા કરવામાં તેમનો વિશ્વાસ આપણા પોતાના મૂલ્યોને દર્શાવે છે.”
પીએમ મોદીએ પ્રસ્તાવનામાં અનેક વખત મેલોનીના વખાણ કર્યા છે અને જણાવ્યું છે કે કેવી રીતે તેમની પ્રેરણાદાયક અને ઐતિહાસિક યાત્રા ભારતીયોના હૃદયમાં ઊંડે સુધી ઉતરી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે આ પુસ્તક નિશ્ચિતપણે ભારતીય વાચકોને પ્રભાવિત કરશે.જણાવી દઈએ કે આ આત્મકથાનું મૂળ સંસ્કરણ ૨૦૨૧માં લખવામાં આવ્યું હતું, જ્યારે મેલોની ઇટાલીમાં વિપક્ષનાં નેતા હતાં. તેના એક વર્ષ પછી જ તેઓ દેશનાં પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યાં.
આપણ વાંચો: અમેરિકામાં 1 લાખથી યુએસ ફેડરલ કર્મચારીઓની નોકરી જોખમમાં, જાણો શું છે કારણ…