PM મોદીએ બ્રિટનના પીએમ સાથએ કરી વાત, FTA વિશે કરી ચર્ચા
ભારત અને ચાર યુરોપિયન દેશોના જૂથ EFTA વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સમજૂતીની સફળતા બાદ હવે સમગ્ર વિશ્વની નજર ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર પર છે. આ અંગે પીએમ નરેન્દ્ર મોદીએ હાલમાં જ બ્રિટિશ પીએમ ઋષિ સુનક સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમની સાથે FTA અંગે ચર્ચા થઈ હતી. તેમણે અને લાભદાયી મુક્ત વેપાર કરારને ટૂંક સમયમાં પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. નોંધનીય છે કે ભારત અને બ્રિટન વચ્ચે FTA પર ચર્ચા બે વર્ષ પહેલા એટલે કે જાન્યુઆરી 2022માં શરૂ થઈ હતી.
વડાપ્રધાન મોદીએ પોતાની પોસ્ટમાં કહ્યું, ‘વડાપ્રધાન ઋષિ સુનક સાથે સારી વાતચીત થઈ. અમે દ્વિપક્ષીય વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અને પરસ્પર લાભદાયી મુક્ત વેપાર કરારને વહેલી તકે પૂર્ણ કરવા માટે કામ કરવાની અમારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત, પીએમ મોદી અને બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના વડા પ્રધાન સુનકે દ્વિપક્ષીય વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માટે બંને દેશોની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
એક સત્તાવાર સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓએ વેપાર, રોકાણ, સંરક્ષણ, સુરક્ષા, ઉભરતી તકનીકો અને અન્ય સહિત વિવિધ ક્ષેત્રોમાં ‘રોડમેપ 2030’ હેઠળ થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે પીએમ મોદી અને સુનકે પરસ્પર લાભદાયી મુક્ત વેપાર કરારની વહેલી પૂર્ણતા તરફ થયેલી પ્રગતિનું સકારાત્મક મૂલ્યાંકન કર્યું અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. બંને નેતાઓએ આગામી હોળીના તહેવાર માટે એકબીજાને શુભેચ્છા પાઠવી હતી અને સંપર્કમાં રહેવા સંમત થયા હતા.
બ્રિટનના વેપાર અને વાણિજ્ય સચિવ ગયા અઠવાડિયે કહ્યું હતું કે ભારત સાથે વાટાઘાટ કરવામાં આવી રહેલી વેપાર ડીલ લોકસભા ચૂંટણી પહેલા પૂર્ણ થઈ શકે છે. મુક્ત વેપાર કરાર હાલમાં 14મા રાઉન્ડની વાટાઘાટોમાં છે. જાન્યુઆરી 2022 થી, ભારત અને યુકે તેમની વર્તમાન 36- બિલિયન GBP(ગ્રેટ બ્રિટન પાઉન્ડ)ની દ્વિપક્ષીય વેપાર ભાગીદારીને નોંધપાત્ર રીતે વધારવાના ઉદ્દેશ્ય સાથે મુક્ત વેપાર કરાર (FTA) માટે વાટાઘાટોમાં રોકાયેલા છે. વાટાઘાટોનો 13મો રાઉન્ડ 15 ડિસેમ્બર, 2023ના રોજ પૂરો થયો હતો.