ઇન્ટરનેશનલનેશનલ

શ્રીલંકાને Katchatheevu ટાપુ આપીને દેશની અખંડિતતાને નબળી પાડી, પીએમ મોદીનો કૉંગ્રેસ પર હુમલો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે શ્રીલંકાને Katchatheevu (કચથીવુ ) ટાપુ સોંપવાના નિર્ણય પર કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું અને તેમના પર દેશની અખંડિતતા અને હિતોને ‘નબળા’ કરવાનો આરોપ લગાવ્યો હતો. પીએમ મોદીની આ પ્રતિક્રિયા માહિતી અધિકાર (આરટીઆઈ) રિપોર્ટ પછી આવી છે, જેમાં જણાવવામાં આવ્યું હતું કે કેવી રીતે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ સરકારે 1974માં શ્રીલંકાને કચથીવુ ટાપુ સોંપ્યો હતો. આ રિપોર્ટ તમિલનાડુ બીજેપી અધ્યક્ષ કે અન્નામલાઈ દ્વારા 1974માં પાલક સ્ટ્રેટનો વિસ્તાર પાડોશી દેશ શ્રીલંકાને સોંપવાના તત્કાલીન ઈન્દિરા ગાંધી સરકારના નિર્ણય પર મળેલા RTI જવાબ પર આધારિત છે. રિપોર્ટમાં આ મુદ્દે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની ટિપ્પણીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આરટીઆઈ રિપોર્ટને ‘આંખો ખોલનારો અને ચોંકાવનારો’ ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે લોકો આ પગલાથી ‘નારાજ’ છે અને ‘કોંગ્રેસ પર ક્યારેય વિશ્વાસ કરી શકાય નહીં.’

પીએમ મોદીએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે આ વાત તે આંખ ખોલનારી અને આઘાતજનક છે! નવા તથ્યો જણાવે છે કે કેવી રીતે કોંગ્રેસે ક્રૂરતાપૂર્વક કચથીવુને શ્રીલંકાને સોંપ્યું. દરેક ભારતીય આનાથી નારાજ છે અને લોકોના મનમાં એ વાત આવી ગઈ છે કે આપણે કોંગ્રેસ પર ક્યારેય વિશ્વાસ કરી શકીએ નહીં! કોંગ્રેસની મોડસ ઓપરેન્ડી ભારતની એકતા, અખંડિતતા અને હિતોને નબળી પાડવાની રહી છે.

કચથીવુ એ પાલ્ક સ્ટ્રેટમાં એક નાનો ટાપુ છે, જે બંગાળની ખાડીને અરબી સમુદ્ર સાથે જોડે છે. 285 એકરનો હરિયાળો વિસ્તાર 1976 સુધી ભારતનો હતો. જો કે, કચથીવુ શ્રીલંકા અને ભારત વચ્ચે એક વિવાદિત વિસ્તાર છે, જેના પર આજે શ્રીલંકા અધિકારનો દાવો કરે છે. હકીકતમાં, વર્ષ 1974માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રીમાવો ભંડારનાઈકે સાથે 1974-76 વચ્ચે ચાર દરિયાઈ સીમા સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતી હેઠળ કચથીવુ ટાપુ કેટલીક શરતો સાથે શ્રીલંકાને સોંપવામાં આવ્યો હતો. વી શરત રાખવામાં આવી હતી કે ભારતીય માછીમારો તેમની જાળ સૂકવવા માટે આ ટાપુનો ઉપયોગ કરી શકશે અને ભારતના લોકોને વિઝા વિના ટાપુમાં બનેલા ચર્ચમાં જવા દેવામાં આવશે.
ભારતીય જળસીમામાં માછલીઓ મળતી નહીં હોવાથી માછલી પકડવા તમિલનાડુના રામેશ્વરમ જેવા જિલ્લાના માછીમારો કચથીવુ ટાપુ પર જાય છે. માછીમારો ટાપુ પર પહોંચવા માટે ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન (IMBL) ઓળંગે છે પરંતુ શ્રીલંકાની નૌકાદળ દ્વારા તેમની અટકાયત કરવામાં આવે છે.

ભારતમાં કચથીવુ ટાપુને લઇને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. તમિલનાડુની તમામ સરકારોએ 1974ના કરારને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને શ્રીલંકા પાસેથી ટાપુ પરત કરવાની માંગણી કરી છે. 2008 માં, તમિલનાડુના તત્કાલીન મુખ્ય પ્રધાન જયલલિતાએ કેન્દ્ર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને કચથીવુ કરાર રદ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે શ્રીલંકાને કચથીવુ ભેટ આપનારા દેશો વચ્ચેની બે સંધિઓ ગેરબંધારણીય હતી. આ સિવાય વર્ષ 2011માં જયલલિતાએ ફરી એકવાર વિધાનસભામાં ઠરાવ પસાર કરાવ્યો હતો.

મે 2022 માં, તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને પીએમ મોદીની હાજરીમાં એક સમારોહમાં માગ કરી હતી કે ભારતે કચથીવુ ટાપુને પરત મેળવવો જોઇએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button