ટ્રુડો સરકારથી હિંદુ, શીખ અને મુસ્લિમો પણ નારાજ, ગુમાવી રહ્યા છે સમર્થન
ટોરોન્ટોઃ કેનેડામાં આવતા વર્ષે ઓક્ટોબરમાં ચૂંટણી યોજાઈ શકે છે. એ પહેલા હાલમાં બહાર પાડવામાં આવેલા એક સર્વેના આંકડાઓ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને લિબરલ પાર્ટી માટે તણાવનું કારણ બની શકે છે. એવા સંકેતો મળી રહ્યા છે કે કેનેડામાં વસતા હિંદુ અને શીખ મતદારો મોટી સંખ્યામાં કન્ઝર્વેટીવ પાર્ટીને મત આપી શકે છે. અને સર્વેમાં એમ પણ જાણવા મળ્યું છે કે ટ્રુડોની પાર્ટી મુસ્લિમો અને યહૂદીઓનો સમર્થન પણ ગુમાવી રહી છે.
તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક સર્વેક્ષણમાં આંકડાઓમાં જણાવવામાં આવી રહ્યું છે કે કન્ઝર્વેટીવ પાર્ટીને 53% હિન્દુઓનો સમર્થન છે જ્યારે લિબરલ્સને 22% હિન્દુઓનું સમર્થન છે. 52 ટકા શીખોનું કન્ઝર્વેટીવ પાર્ટીને સમર્થન છે લિબરલ્સને 21 ટકા શીખોનું સમર્થન છે.
ગાઝા અને ઇઝરાયેલના મુદ્દાઓને સંતુલિત કરવાનો પ્રયાસ કરી રહેલી ટુડો સરકારના હાથમાંથી મુસ્લિમો અને યહૂદીઓનું સમર્થન પણ સરકી રહ્યું છે એવું સર્વે પરથી પ્રતિત થાય છે. એવા અહેવાલ છે કે 41 ટકા મુસ્લિમો ન્યુ ડેમોક્રેટિક પાર્ટી અથવા એનડીપીને સમર્થન આપી રહ્યા છે જ્યારે 31% મુસ્લિમો લિબરલ્સને સમર્થન આપી રહ્યા છે. કન્ઝર્વેટીવ્સને કેનેડામાં રહેતા 15% મુસ્લિમોનું સમર્થન મળી રહ્યું છે.
એક આંકડા અનુસાર કેનેડામાં આઠ લાખ ત્રીસ હજાર હિન્દુ વસે છે જે કુલ વસ્તીના લગભગ 2.3 ટકા છે. જો કે, છેલ્લા 20 વર્ષમાં તેમની સંખ્યા બમણાથી પણ વધુ થઈ ગઈ છે. તેવી જ રીતે શીખોની હાલની વસ્તી 7,70,000 છે. છેલ્લા 20 વર્ષમાં આ વસ્તી બમણી થઈ ગઈ છે.
સર્વેક્ષણના આંકડા જોઈને એમ લાગે છે કે જસ્ટિન સરકારથી હિન્દુઓ, શીખો કે મુસલમાન કોઈપણ ખુશ નથી અને આગામી ચૂંટણીમાં તેમની સરકારને લોકોના રોષનો સામનો કરવો પડી શકે છે અને તેમની સરકાર જઈ પણ શકે છે.