વીડિયો ગેમ વધુ રમો છો તો આ જોખમ ઊભું થઈ શકેઃ સંશોધનમાં મોટો દાવો
લંડન: વિશ્વભરમાં વીડિયો ગેમર્સ પર સાંભળવાની ક્ષમતા ગુમાવી દેવાનો ખતરો રહ્યો છે. તેના સિવાય ગેમર્સના કાનમાં સતત અવાજ આવવો કે પડઘા પડવા જેવી સમસ્યા થવાની પણ સંભાવનાઓ ખૂબ વધી જાય છે. બ્રિટિશ મેડિકલ જર્નલના પબ્લિક હેલ્થે જાહેર કરેલા એક નવા સંશોધનમાં આ અંગેની જાણકારી મળી હતી.
આ પ્રકારના ગેમર્સને ઘણી વાર ઉંચા ધ્વનિવાળો અવાજ સંભળાવાની ફરિયાદ રહેતી હોય છે. સંશોધનકર્તાઓને જાણવા મળ્યું હતું કે બાળકો માટે સુરક્ષિત અવાજ 40 કલાક માટે 75 ડેસીબલ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને અમેરિકાના મેડિકલ યુનિવર્સિટી દક્ષિણ કેરોલિનાના સંશોધકો સહિત આંતરરાષ્ટ્રીય સંશોધન ટીમે ઉત્તર અમેરિકા, યુરોપ, દક્ષિણ પૂર્વ એશિયા, એશિયા અને ઓસ્ટ્રેલિયાના નવ દેશોના 14 અભ્યાસોની સમીક્ષા કરી જેમાં 50,000 થી વધુ લોકો સામેલ હતા.
સંશોધનકર્તાઓએ કહ્યું કે ઇ-સ્પોર્ટ્સ સહિત વીડિયો ગેમની પ્રતિકુળ અસરોથી સાંભળવાની ક્ષમતા ગુમાવી દેવા પર ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે, જ્યારે ઇયરબડ્સ, હેડફોનને સંભવિત રીતે અસુરક્ષિત ધ્વનિ સ્તરના સ્ત્રોતના રૂપમાં સ્વીકારવામાં આવ્યા છે.
સંશોધકોએ લખ્યું હતું કે અમે એ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે ગેમિંગના કારણે થતા નુકસાનને લઇને લોકોમાં જાગૃતિ ફેલાવવાને પ્રાથમિકતા આપવાની જરૂર છે, જે ગેમર્સ વચ્ચે સુરક્ષિત ધ્વનિને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકે છે.