પાકિસ્તાનમાં ઉથલપાથલના સંકેતઃ ઇમરાન ખાનની મુક્તિ માટે પાર્ટીએ કરી આ જાહેરાત

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની રાજધાનીમાં આજે જેલમાં બંધ પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની પાર્ટી દ્વારા તેમની મુક્તિ માટે સરકાર પર દબાણ લાવવા માટે આયોજિત રેલી પહેલા તણાવનો માહોલ રહ્યો હતો. ઈમરાન ખાનની ૫ ઓગસ્ટ ૨૦૨૩ના ધરપકડ થયા બાદથી જેલમાં છે.
પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ(પીટીઆઇ)ની રેલી ઇસ્લામાબાદના ઉપનગરોમાં સાંગઝાની કેટલ માર્કેટ પાસે એક મેદાનમાં યોજાઇ રહી છે. ઇસ્લામાબાદ જિલ્લા વહીવટીતંત્રે રેલી માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ(એનઓસી) જારી કરી દીધું છે અને તૈયારીઓ અંતિમ તબક્કામાં છે.
શહેરના વહીવટીતંત્રે ૨૨ ઓગસ્ટના રોજ તેનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ રદ્દ કર્યા અને સંઘીય રાજધાની તરફ જતા રસ્તાઓ સીલ કર્યા પછી પાર્ટીએ ઇસ્લામાબાદમાં તેની જાહેર સભા મુલતવી રાખી હતી અને તેને ૮ સપ્ટેમ્બર માટે ફરીથી શેડ્યુલ કરી હતી.
પીટીઆઇએ જાહેરાત કરી હતી કે રેલી બપોરે ૨ વાગ્યે શરૂ થશે. પીટીઆઇના અધ્યક્ષ ગૌહર અલી ખાને શનિવારે કહ્યું કે રેલી શાંતિપૂર્ણ રહેશે. તેમણે કહ્યું કે અમારી રેલી શાંતિપૂર્ણ હશે અને અમારી પાસે એનઓસી છે. અમારા માર્ગમાં કોઇ અડચણ આવવી જોઇએ નહીં.
નોંધનીય છે કે ૮ ફેબ્રુઆરીની ચૂંટણી બાદ ઇસ્લામાબાદમાં પીટીઆઇની આ પ્રથમ મોટી રેલી હશે. પાર્ટી ખાનને મુક્ત કરવા માટે સરકાર પર દબાણ લાવવા માંગે છે, તેઓ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવેલા તમામ કેસોમાં નિર્દોષ છૂટ્યા અથવા જામીન મળ્યા હોવા છતાં જેલમાં બંધ છે.
ઈમરાન ખાને વારંવાર સરકાર સાથે વાટાઘાટો કરવાની ઇચ્છા દર્શાવી છે, જ્યારે સરકારે સાથે બેસવાનો ઇન્કારો કર્યો છે. અત્યાર સુધીની તેમની તમામ વ્યૂહરચનાઓ કોઇ પણ રાહત મેળવવામાં નિષ્ફળ રહી છે. સામૂહિક વિરોધ એક વિકલ્પ છે, પરંતુ તેમની પાર્ટી આને ટાળવા માટે દબાણનો સામનો કરી રહી છે.
આ રેલી સરકાર અને પીટીઆઇ બંને માટે એક કસોટી છે કારણ કે આનાથી તેમને ખાનની જમીની તાકાતનો અંદાજ લગાવવામાં અને આગામી દિવસોમાં તેમની નીતિઓ અને વ્યૂહરચનાઓને સારી રીતે તૈયાર કરવામાં મદદ મળશે.