ઇન્ટરનેશનલટોપ ન્યૂઝસ્પોર્ટસ

Paris Olympics 2024: ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહ પૂર્વે પેરિસમાં હાઇ-સ્પીડ રેલ નેટવર્કમાં તોડફોડ

પેરિસ : ફ્રાન્સની રાજધાની પેરિસમાં 2024ની ઓલિમ્પિક ગેમ્સ(Paris Olympics 2024) શરૂ થાય તે પૂર્વે હાઇ સ્પીડ રેલ નેટવર્કમાં મોટા પાયે તોડફોડ અને આગ લગાવવાની ઘટનાના અહેવાલો આવ્યા છે. જેના કારણે ત્યાંની રેલ સેવા પર મોટી અસર પડી છે. એક અનુમાન મુજબ 8 લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. ફ્રેંચ રેલ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઘણી રેલ લાઈનોને નિશાન બનાવતા આ દુર્ભાવનાપૂર્ણ હુમલાઓ ને કારણે ઓલિમ્પિક પૂર્વે પેરિસમાં ટ્રેન સેવા ગંભીર રીતે ખોરવાઈ ગઈ છે.

પશ્ચિમ, ઉત્તર અને પૂર્વ સાથે જોડતી રેલ લાઇનને નિશાન બનાવી
રેલ્વે સેવા પૂરી પાડતી કંપની સીએનએફસીએ જણાવ્યું હતું કે આગ અને તોડફોડ કરનારાઓએ પેરિસના પશ્ચિમ, ઉત્તર અને પૂર્વ સાથે જોડતી રેલ લાઇનને નિશાન બનાવી હતી. આ હુમલા એવા સમયે કરવામાં આવ્યા છે જ્યારે પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સ શરૂ થવા જઈ રહી છે અને સપ્તાહના અંતમાં ટ્રાફિક વધવાનો હતો. હવે આનાથી સમગ્ર દેશમાં ટ્રાફિકને ભારે વિક્ષેપ પડશે.

સ્ટેડિયમની બહાર ઓપનિંગ સેરેમનીનો કાર્યક્રમ
પૅરિસમાં આજે ગ્રેન્ડ ઓપનિંગ સેરેમની યોજાશે. ઑલિમ્પિક્સના ઇતિહાસમાં પહેલી વખત સ્ટેડિયમની બહાર ઓપનિંગ સેરેમનીનો કાર્યક્રમ યોજાશે.પૅરિસના વિશ્વવિખ્યાત એફિલ ટાવરની નજીક અને સેન નદી પર તથા એના કિનારા પરના વિસ્તારોમાં આ પ્રારંભિક સમારોહના પ્રોગ્રામ યોજાશે. લાખો લોકો આ સેરેમનીને પ્રત્યક્ષ જોશે અને કરોડો સ્પોર્ટ્સપ્રેમીઓ એને ટીવી પર નિહાળશે.

50,000થી વધુ પોલીસ તેમ જ સૈનિકો ગોઠવી દેવામાં આવ્યા
આતંકવાદીઓના હુમલાના ભય વચ્ચે કુલ 50,000થી વધુ પોલીસ તેમ જ સૈનિકો ગોઠવી દેવામાં આવ્યા છે. જો કોઈ અનિવાર્ય કારણસર ખુલ્લામાં ઓપનિંગ સેરેમની રદ કરવી પડે તો નજીકના બે સ્ટેડિયમમાં ઓપનિંગના કાર્યક્રમો રાખી દેવાના પ્લાન-બી અને પ્લાન-સી તૈયાર રાખવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button