પેરિસ ઓલિમ્પિકની કલોઝિંગ સેરેમની ભારતમાં કેવી રીતે અને ક્યારે જોઈ શકશો? આ ખેલાડીઓ હશે ભારતના ધ્વજવાહક

નવી દિલ્હી: 26 જુલાઈના રોજ શરુ થયેલા પેરિસ ઓલિમ્પિક(Paris Olympic)નો આજે છેલ્લો દિવસ છે, આજે 11 ઓગસ્ટના રોજ કલોઝિંગ સેરમની (Closing ceremony) યોજાશે. પેરિસ ઓલિમ્પિકમાં દસ હજારથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતમના કુલ 117 ખેલાડીઓએ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો અને કુલ 6 મેડલ જીત્યા હતા.
પેરિસ ઓલિમ્પિકનો સમાપન સમારોહ સ્ટેડ ડી ફ્રાન્સ સ્ટેડિયમમાં અંદાજે 80,000 પ્રેક્ષકોની હાજરીમાં યોજાશે. આ કાર્યક્રમને ‘રેકોર્ડ્સ’ નામ આપવામાં આવ્યું છે, આ કાર્યક્રમ ફ્રેન્ચ થિયેટર ડિરેક્ટર અને અભિનેતા થોમસ જોલીની દેખરેખ હેઠળ યોજાશે.
સમાપન સમારોહમાં ઓલિમ્પિક મશાલને ઔપચારિક રીતે બુઝાવવામાં આવશે અને લોસ એન્જલસ 2028 આયોજક સમિતિને ઓલિમ્પિક ધ્વજની સત્તાવાર રીતે સોપવામાં આવશે.
ક્યારે શરુ થશે સમાપન સમારોહ?
ઓલિમ્પિકની મશાલને ઔપચારિક રીતે બુઝાવવા સાથે ઇવેન્ટની શરૂઆત થશે. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના ચીફ થોમસ બાક અને ઓર્ગેનાઈઝિંગ કમિટીના પ્રમુખ ટોની ઈસ્ટાનગુએટ વક્તવ્ય આપશે. સમાપન સમારોહ ભારતીય સમય અનુસાર મોડી રાત્રે 12:30 વાગ્યે શરૂ થશે. આ કાર્યક્રમ અઢી કલાક સુધી ચાલશે.
ભારતમાં કઈ ચેનલ/ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર જોઈ શકાશે?
પેરિસ ઓલિમ્પિક 2024 ના સમાપન સમારોહનું ભારતમાં Sports18 1 SD અને Sports18 1 HD પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. ભારતમાં તમે આ ચેનલો પર સમાપન સમારોહ લાઈવ જોઈ શકો છો. ડિજિટલ પ્લેટફોર્મ JioCinema પર પણ લાઈવ પ્રસારણ કરવામાં આવશે, Jio સિનેમા એપ પર મફતમાં લાઈવ પ્રસારણ બતાવવામાં આવશે.
આ ખેલાડીઓ ભારતના ધ્વજવાહક રહેશે:
સમાપન સમારોહમાં મનુ ભાકર અને હોકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશ ભારતીય ટીમના ફ્લેગ બેરર્સ હશે. યુવા શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં શૂટિંગમાં બે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા ખેલાડી છે. પીઆર શ્રીજેશે ભારતીય હોકી ટીમને બ્રોન્ઝ મેડલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.