Paris Olympics 2024: ઈમાને ખલીફ પછી વધુ એક વિવાદાસ્પદ બોક્સરે જીત સાથે શરૂઆત કરી
પેરીસ: અલ્જીરિયાની બોક્સર ઈમાને ખલીફ(Imane khelif)ની યોગ્યતા બાબતે પેરિસ ઓલિમ્પિક વિવાદમાં છે. ઈમાને ખલીફે 66 કિ.ગ્રા. વર્ગમાં ઈટાલીની એન્જેલા કેરિની(Angela Carini) સામે 46 સેકંડમાં મેળવેલી જીત બાદ જેન્ડર એલેજીબીલીટી અંગે ચર્ચા શરુ થઇ છે. ઇટાલીની કેરિનીએ કહ્યું હતું કે ખલીફના મુક્કા જોરદાર હતા, મને લાગતું હતું કે હું ઈજાગ્રસ્ત થઇ જઈશ. ખલીફનો એક મુક્કો કારિનીને તેના નાક પર વાગ્યો અને તે પીડાથી ચીસ પાડી ઉઠી. બાદમાં, ખલીફ પર પુરુષ રંગસૂત્રો સાથેની ખેલાડી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
ગત વર્ષે બીક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ખલીફ ઉપરાંત અન્ય એક ખેલાડીને બહાર કરવામાં આવી હતી, તાઈવાનની લિન યુ-ટિંગ (Lin Yu Ting) પર આવા જ આરોપ લાગ્યા હતા. હવે લિન યુએ પેરિસ ઓલમ્પિકમાં તેની શરૂઆતની મેચમાં મહિલાઓની 57 કિગ્રા વર્ગમાં ઉઝબેકિસ્તાનની સિટોરા તુર્દીબેકોવાને પણ હરાવી હતી. જો કે આ દરમિયાન લિન યુ ટીંગ મહિલા બોક્સરને જોરદાર પંચ મારતી જોવા મળી હતી. જીત બાદ લિને મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું.
ઈમાને અને 28 વર્ષીય લિન તેમની જેન્ડર આઇડેન્ટિટી અંગે રાજકીય રીતે વિવાદમાં છે. ખલીફ અને લિન બંને 2021 ટોક્યો ઓલિમ્પિકમાં કોઈપણ વિવાદ વિના રમ્યા હતા, પરંતુ અહીં તેઓ વિવાદોનો સામનો કરી રહ્યા છે. ટોક્યો ઓલિમ્પિક્સ પછી પાત્રતાના માપદંડોને પૂર્ણ કરવામાં નિષ્ફળ જવાથી આ બંનેને ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન (IBA) દ્વારા સંચાલિત નવી દિલ્હીમાં 2023 વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.
જોકે, ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ બોક્સરોને ફ્રાન્સની રાજધાનીમાં સ્પર્ધામાં ભાગ લેવાની મંજૂરી આપી દીધી છે, જેના કારણે બાકીના મહિલા બોક્સરો અને ચાહકોમાં નારાજગી છે. IOC એ નાણાકીય, નૈતિક અને ઓપરેશનલ મુદ્દાઓ પર પેરિસ ગેમ્સના આયોજનની જવાબદારી IBA પાસેથી છીનવી લીધી છે.
ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ ખલીફે અને લિનને ઇવેન્ટમાં ભાગ લેવાની મંજૂરી આપવાના નિર્ણય પર અડગ રહેતા કહ્યું કે મહિલા વર્ગમાં સ્પર્ધા કરનાર દરેક વ્યક્તિ સ્પર્ધા પાત્રતાના નિયમોનું પાલન કરે છે. તેઓના પાસપોર્ટમાં તેઓ મહિલાઓ છે.