પૅરિસમાં ફૂટબોલર્સના મેદાને-જંગ પહેલાં હાઇવે પર ફૂટબૉલપ્રેમીઓ વચ્ચે ‘દે ધનાધન’

પૅરિસ: ફ્રેન્ચ સૉકરમાં લાયન (Lyon) અને પૅરિસ સેન્ટ-જર્મેઇન (PSG) નામની બે ટીમ વચ્ચેની રસાકસી સર્વશ્રેષ્ઠ ગણાય છે, પરંતુ એ જ બે ટીમના ચાહકોના કેટલાક જૂથો વચ્ચે પણ ઘણા હિંસક જંગ ખેલાઈ ચૂક્યા છે. એવો જ એક તમાશો શનિવારે ફ્રેન્ચ કપની ફાઇનલ પહેલાં બન્ને ટીમ તરફી ફૅન્સ વચ્ચે થયો હતો. આ હિંસાચારમાં 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. 10 તોફાનીઓની ધરપકડ કરવામાં આવી હતી.
પીએસજીએ આ ફાઇનલમાં લાયનને 2-1થી હરાવીને ટ્રોફી જીતી લીધી હતી. પીએસજી વતી ફૂટબૉલ-લેજન્ડ કીલિયાન ઍમ્બપ્પેની આ આખરી મૅચ હતી. તે આ મૅચમાં ગોલ નહોતો કરી શક્યો, પણ ટીમને જિતાડવામાં તેની મોટી ભૂમિકા હતી. તેણે ટ્રોફી જીતીને પીએસજીને ગુડબાય કરી છે. પીએસજી વતી ઓઉસમેન ડેમ્બેલેએ અને ફૅબિયન રુઇઝે એક-એક ગોલ અનુક્રમે બાવીસ તથા 34મી મિનિટમાં કર્યો હતો. લાયન વતી એકમાત્ર ગોલ જેક ઓબ્રાયને પંચાવનમી મિનિટમાં કર્યો હતો.
પૅરિસમાં શનિવારે ફાઇનલ પહેલાં સ્થાનિક સમય મુજબ સાંજે 6.00 વાગ્યે બેઉ ટીમના ફૅન્સ વચ્ચે મેદાનની 60 કિલોમીટર દૂર હાઈવે પર ઝપાઝપી થઈ હતી જેમાં એક બસ બાળી મૂકવામાં આવી હતી અને બીજી બે બસને નુકસાન પહોંચાડાયું હતું. કુલ 200થી વધુ ફૂટબૉલ પ્રેમીઓ આ ધમાલમાં સામેલ હતા. પહેલાં બે જૂથ વચ્ચે સામસામી બોલાચાલી થઈ હતી અને પછી અગનગોળા ફેંકાયા હતા તેમ જ બારીના કાચ તોડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : ફૂટબોલ મેચમાં ફિક્સિંગ મામલે ક્લબ ટીમના કેપ્ટન અને બે ખેલાડીની ધરપકડ
આ ધમાલ બાદ લિલ શહેર નજીકના સ્ટેડ પીએર મૉરૉય નામના સ્ટેડિયમમાં અને એની આસપાસ પોલીસનો પહેરો વધારી દેવામાં આવ્યો હતો. જુલાઈમાં પૅરિસમાં ઑલિમ્પિક્સ યોજાવાની હોવાથી આ ફૂટબૉલ ફાઇનલ સ્ટેડ દ ફ્રાન્સને બદલે સ્ટેડ પીએર ખાતે રાખવામાં આવી હતી.
ફ્રાન્સના પ્રમુખ એમ્માન્યૂએલ મૅક્રોને શનિવારની હિંસક ઘટનાને કડક શબ્દોમાં વખોડી કાઢી હતી અને કસૂરવાર તોફાનીઓ સામે કડક પગલાં ભરવાનો આદેશ આપ્યો હતો.