પાપુઆ ન્યુ ગિનીમાં ભૂસ્ખલનઃ ૧૦૦થી વધુ મોતની આશંકા
મેલબોર્નઃ પાપુઆ ન્યુ ગિનીના દૂરસ્થ વિસ્તારમાં ભૂસ્ખલન થતા ૧૦૦થી વધુ લોકોના મોત થયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, એમ ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશ (એબીસી)એ તાજેતરમાં અહેવાલ આપ્યો છે.
એબીસીના અહેવાલ અનુસાર એંગા પ્રાંતના કાઓકલમ ગામમાં ભૂસ્ખલન થયું હતું. જે દક્ષિણ પેસિફિક ટાપુ રાષ્ટ્રની રાજધાની પોર્ટ મોરેસ્બીની ઉત્તર-પશ્ચિમમાં લગભગ ૬૦૦ કિલોમીટર (૩૭૦ માઇલ) દૂર સ્થાનિક સમય અનુસાર સવારે ૩ વાગ્યે થયું હતું. રહેવાસીઓના જણાવ્યા અનુસાર મૃત્યુઆંકનો વર્તમાન અંદાજ ૧૦૦થી વધુ હોઈ શકે છે.
જોકે સત્તાવાળાઓએ આ આંકડાની પુષ્ટિ કરી નથી. ગ્રામજનોએ જણાવ્યું કે મૃત્યુ પામેલાઓની સંખ્યા ઘણી વધારે હોઇ શકે છે. સોશિયલ મીડિયા પરના વીડિયોમાં સ્થાનિક લોકો દટાયેલા મૃતદેહોને બહાર કાઢતા દેખાય છે.
પાપુઆ ન્યુ ગિની સરકાર અને પોલીસે આ મામલે હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપી નથી. પાપુઆ ન્યુ ગિની વૈવિધ્યસભર અને વિકાસશીલ રાષ્ટ્ર છે. અહીંના લોકો મોટાભાગે ખેતીવાડી પર નભે છે અને અહીં ૮૦૦ ભાષા બોલાય છે. મોટા શહેરોની બહાર થોડા રસ્તાઓ છે. ૧૦ મિલિયન લોકો સાથે તે ઓસ્ટ્રેલિયા પછી સૌથી વધુ વસ્તી ધરાવતું દક્ષિણ પેસિફિક રાષ્ટ્ર પણ છે.
આ અંગે વડા પ્રધાન જેમ્સ મારાપેએ કહ્યું હતું કે સત્તાવાળાઓ જવાબ આપી રહ્યા છે. આમ છતાં જ્યારે નક્કર માહિતી મળ્યા પછી જાનહાનિ અંગે માહિતી આપવામાં આવશે. આ હોનારતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો માટે મારી હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત અન્ય એજન્સીના જવાનો સાથે મળીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.