‘પેલેસ્ટિનિયનોને તેમના વતનથી વંચિત રાખવામાં આવ્યા’, વિદેશ પ્રધાન એસ જયશંકર
ઇઝરાયલ છેલ્લા 6 મહિનાથી ગાઝા પર સતત હુમલા કરી રહ્યું છે, જેમાં હજુ સુધીમાં 36000થી વધુ પેલેસ્ટિનિયન નાગરીકોના મોત નીપજ્યા છે. જેને કારણે દુનિયાભરમાં ઇઝરાયલની ટીકા કરવામાં આવી રહી છે. એવામાં ભારતે પણ ખુલીને ઇઝારાયના સૈન્ય અભિયાનની ટીકા કરી છે અને પેલેસ્ટાઈને સમર્થન આપ્યું છે. ભારતના વિદેશ પ્રધાન સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું કે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષની જટિલતાઓને બાજુ પર મુકીએ તો પણ, મૂળ હકીકત એ છે કે પેલેસ્ટિનિયનઓને તેમના અધિકારો અને વતનથી વંચિત રાખવામાં આવ્યા છે.
જયશંકરે મલેશિયામાં ભારતીય સમુદાયને સંબોધતા કહ્યું કે, “હકીકત એ છે કે આ મુદ્દા અંગે ભલે કોઈ પણ કોઈ સાચા કે ખોટા હોય, પેલેસ્ટિનિયનોના અધિકારોનો મુદ્દો મહત્વનો છે અને હકીકત એ છે કે તેમને તેમના વતનથી વંચિત રાખવામાં આવ્યા છે.” જો કે, સાથે સાથે એસ જયશંકરે 7મી ઓક્ટોબરના દિવસે હમાસે ઇઝરાયલ પર કરેલા હુમલાને વખોડી કાઢ્યો હતો, તેમણે કહ્યું કે આ હુમલો આતંકવાદી કૃત્ય હતું.
અહેવાલો મુજબ એસ જયશંકરએ કહ્યું કે “બધાના અલગ અલગ માતાવ્યો હોઈ શકે છે. 7 ઓક્ટોબરે જે બન્યું તે આતંકવાદી કૃત્ય હતું જ, પરંતુ બીજી તરફ, કોઈ નિર્દોષ નાગરિકોના મૃત્યુને વ્યાજબી ગણાવી શકાય નહીં. બદલો લેવા માટે દરેક દેશ કાર્યવાહી કરી શકે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાને ધ્યાનમાં રાખવા જરૂરી છે.”
લાંબા સમયથી ચાલી રહેલા ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષ વચ્ચે ભારતે ‘ટૂ સ્ટેટ સોલ્યુશન’ન સમર્થન આપતું રહ્યું છે.
જયશંકરની મલેશિયા, સિંગાપોર અને ફિલિપાઈન્સની મુલાકાતે છે. આ મુલાકાતનો હેતુ આ રાષ્ટ્રો સાથેના સંબંધોને મજબૂત કરવાનો અને સહયોગ અને વૃદ્ધિ માટેની તકો વિકસાવવાનો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 7મી ઑક્ટોબરના રોજ, ગાઝાના હમાસ જુથે દક્ષિણ ઇઝરાયેલમાં રોકેટ મારો અને ગુરીલા હુમલો કર્યો હતો તેના સંખ્યાબંધ ઇઝરાયલી નાગરિકોની હત્યા અને અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદથી ઇઝરાયલે ગાઝા પર આક્રમણ શરુ કર્યું હતું. ઇઝરાયેલે કહ્યું કે જ્યાં સુધી તમામ બંધકોને મુક્ત કરવામાં ન આવે અને હમાસનો નાશ ન થાય ત્યાં સુધી તે આક્રમણ ચાલુ રાખશે.
પરંતુ આ યુદ્ધમાં નિર્દોષ પેલેસ્ટિનિયન નાગરીકો મરી રહ્યા છે. છેલ્લા છ મહિનામાં 36000 થી વધુ પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થાય છે, જેમાં 15000 બાળકોનો સમાવેશ થાય છે. મૃતકોમાં 134 પત્રકારો, 348 હેલ્થ વર્કર્સ અને 174 UN સ્ટાફ મેમ્બર્સનો સમાવેશ થાય છે. 74000થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમના માટે પુરતી મેડીકલ સુવિધા નથી. ઉપરાંત ઇઝરાયની ઘેરાબંધીને કારણે ગાઝામાં ગંભીર માનવીય કટોકટી પેદા થઇ છે. અહેવાલો મુજબ ભૂખને કારણે 27થીવધુ બાળકો મોતને ભેટ્યા છે. લાખો લોકો બેઘર થઇ ગયા છે.