આતંકવાદી હાફિઝ સઈદના પ્રત્યાર્પણની માગ પર પાકિસ્તાને શું કહ્યું જાણો…

ઈસ્લામાબાદ: પાકિસ્તાને શુક્રવારે જણાવ્યું હતું કે ભારતે લશ્કર-એ-તૈયબા (LeT)ના સ્થાપક હાફિઝ સઈદના પ્રત્યાર્પણની માંગ કરી છે, પરંતુ આ મુદ્દે પાકિસ્તાને જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે “કોઈ દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધિ” નથી. હાફિઝ સઈદ, 2008ના મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ છે અને તેને યુએન દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. ભારતીય તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ ઘણા આતંકવાદી કેસોમાં તેની સંડોવણી પુરવાર થઇ છે.
શુક્રવારે, વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે તાજેતરમાં કેટલાક દસ્તાવેજો સાથે પાકિસ્તાન સ્થિત સઈદના પ્રત્યાર્પણની વિનંતી ઈસ્લામાબાદ મોકલવામાં આવી હતી. સઈદ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત આતંકવાદી પણ છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું હતું કે પાકિસ્તાનને ભારતીય અધિકારીઓ તરફથી “કહેવાતા મની લોન્ડરિંગ કેસ” માં સઈદના પ્રત્યાર્પણની વિનંતી કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે “એ નોંધવું યોગ્ય છે કે પાકિસ્તાન અને ભારત વચ્ચે કોઈ દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધિ અસ્તિત્વમાં નથી.”
કટ્ટરપંથી મૌલવી સઈદની જુલાઇ 2019માં કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેની અને તેના નજીકના સહયોગીઓ સામે 23 ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (એફઆઇઆર)દાખલ કરવામાં આવ્યા હતા. તેને એપ્રિલ 2022 માં આતંકવાદ વિરોધી અદાલત દ્વારા આતંકવાદીઓને ભંડોળ પૂરુ પાડવાના કેસમાં 33 વર્ષની જેલની સંયુક્ત સજા આપવામાં આવી હતી.
સઈદ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાં સામેલ છે અને 26/11ના મુંબઈ હુમલામાં તેની કથિત સંડોવણી બદલ અમેરિકાએ તેના પર 10 મિલિયન ડોલરનું ઇનામ રાખ્યું છે. 26 નવેમ્બર, 2008 ના રોજ કરવામાં આવેલા હુમલાઓમાં ઓછામાં ઓછા 166 લોકો માર્યા ગયા હતા અને 300 ઘાયલ થયા હતા.