કોઈ સરહદ ના ઈન્હે રોકેઃ ‘Pakistan’ને પણ એટલી જ સતાવે છે આ સમસ્યા

અમદાવાદઃ બે દેશ વચ્ચે ગમે તેટલી દિવાલો બાંધો કુદરતનો ન્યાય બધે સરખો જ રહેવાનો. પંછી, નદીયા, પવન કે જોંખે, કોઈ સરહદના ઈન્હે રોકે ગીતના શબ્દોને સાચા પાડતી માહિતી પાકિસ્તાન તરફથી જાણવા મળી છે. ભારત જે રીતે વાયુ પ્રદૂષણ સામે ઝઝૂંમી રહ્યું છે તેમ પાડોશી દેશ કહો કે દુશ્મન દેશ કહો પાકિસ્તાન પણ ઝેરીલી હવાનો શિકાર બન્યું છે અને તેની સીધી અસર લોકોના જીવન અને આરોગ્ય પર પડી રહી છે, તેમ એક અહેવાલ જમાવે છે.
પાકિસ્તાનનું બીજું સૌથી મોટું શહેર લાહોર હાલમાં પ્રદૂષણથા ઘેરામાં છે. લગભગ દોઢ લાખની વસ્તી ધરાવતા લાહોરમાં હવા ઝેરી બની ગઈ છે. ગયા નવેમ્બરમાં લાહોરનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 345 હતો. સામાન્ય રીતે, જો હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 151 થી ઉપર હોય, તો તે હવા અશુદ્ધ માનવામાં આવે છે. જો ઇન્ડેક્સ 300 થી ઉપર હોય, તો તે હવા ઝેરી બની જાય છે. દેખીતી રીતે, લાહોરને વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર જાહેર કરવામાં આવ્યું છે.
લાહોર વાસ્તવમાં રાવી નદીના કિનારે વસેલું એક પ્રાચીન શહેર છે. ભગવાન રામના પુત્ર લવએ આ શહેરની સ્થાપના કરી હતી, તેમ ઈતિહાસ જણાવે છે. તેથી તેનું નામ લાહોર પડ્યું. અખંડ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં લાહોરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ શહેર પાકિસ્તાનની સાંસ્કૃતિક રાજધાની પણ છે. પાકિસ્તાનનો સિનેમા ઉદ્યોગ લાહોરમાં શરૂ થયો અને વિસ્તર્યો. થોડા વર્ષો પહેલા આ ફિલ્મ ઈન્ડસ્ટ્રી કરાચીમાં શિફ્ટ થઈ ગઈ છે. લાહોરમાં અનિયંત્રિત પ્રદૂષિત ઉદ્યોગો, ઈંટોના ભઠ્ઠાઓ અને વાહનોની અનિયંત્રિત સંખ્યાને કારણે પ્રદૂષણ સતત વધી રહ્યું છે.
પ્રદૂષણ માપતા માત્ર પાંચ કેન્દ્રો હોવાથી સરકારી તંત્ર પર ભારે તાણ છે. સ્થાનિક કોર્ટે સરકારને પ્રદૂષણ ઘટાડવા માટે પગલાં લેવાનો આદેશ આપ્યો છે. સરકારે દસ વર્ષની સમયમર્યાદા યોજના પણ રજૂ કરી છે. જો કે તેનો અમલ થશે કે કેમ તે અંગે સ્થાનિકોને શંકા છે. હાલમાં પ્રદૂષણના ઉકેલ તરીકે સરકાર દ્વારા લેવામાં આવતા પગલાઓ માત્ર શાળા-કોલેજોમાં જાન્યુઆરીના અંત સુધી રજાઓ આપી પ્રદુષણ ફેલાવતા વાહનો પાસેથી દંડ વસૂલ કરી રહ્યા છે, તે સિવાય ખાસ કંઈ થઈ રહ્યું ન હોવાનું જાણવા મળે છે.
અગાઉ થયેલા એક સર્વે અનુસાર પાકિસ્તાનની 98.2 ટકા વસ્તી પ્રદૂષિત હવામાં રહે છે. પ્રદૂષણને કારણે પાકિસ્તાની નાગરિકોની સરેરાશ આયુષ્યમાં સાડા ત્રણ વર્ષનો ઘટાડો થયો છે. આ જ ગુણોત્તર લાહોરમાં સાડા ચાર વર્ષનો છે. ગયા નવેમ્બરમાં પંજાબ સરકારે પ્રદૂષણ ઘટાડવા માટે લાહોરમાં કૃત્રિમ વરસાદ કર્યો હતો. પાકિસ્તાનમાં આ પ્રકારનો આ પહેલો પ્રયોગ હતો. તે પછી લાહોરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 200થી નીચે ગયો.
પંજાબ સરકારે ફરી એકવાર કૃત્રિમ વરસાદનો પ્રયોગ શરૂ કર્યો છે. આ વરસાદ સંયુક્ત આરબ અમીરાતના નિષ્ણાતોની મદદથી કરવામાં આવશે. તેનાથી પ્રદૂષણમાંથી અમુક અંશે છુટકારો મળશે. જો કે, આ એક અસ્થાયી ઉકેલ છે. પ્રદૂષણ પર કાયમી નિયંત્રણ મેળવવા માટે લાંબા ગાળાના પગલાં લેવા પડશે, તેમ નિષ્ણાતો માને છે.