IMFએ 11 અબજ ડોલરનો હિસાબ માગતાં પાકિસ્તાનની હાલત ખરાબ | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

IMFએ 11 અબજ ડોલરનો હિસાબ માગતાં પાકિસ્તાનની હાલત ખરાબ

ઇસ્લામાબાદ: આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનને એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ છે. દેશને સતત લોન આપીને મદદ કરનારી આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (International Monetary Fund) એ પાકિસ્તાની સરકારી સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા આર્થિક ડેટામાં 11 અબજ અમેરિકન ડોલરનો ગોટાળો સામે આવતાં ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. IMF એ પાકિસ્તાન સરકારને આ વેપાર આંકડાઓમાં થયેલી વિસંગતતાનો જાહેર ખુલાસો કરવા અને તેનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે સ્પષ્ટ સૂચના આપી છે.

પાકિસ્તાનની સાખ પર સવાલ

એક રિપોર્ટ મુજબ, પાકિસ્તાનની સરકારી સંસ્થાઓએ છેલ્લા બે વર્ષથી જાણીજોઈને આંકડાઓમાં ગોટાળો કર્યો છે. સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું છે કે, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે પાકિસ્તાન રેવન્યુ ઓટોમેશન લિમિટેડ (PRAL) દ્વારા રિપોર્ટ કરાયેલા આયાત (Import)ના આંકડા, પાકિસ્તાન સિંગલ વિન્ડો (PSW) દ્વારા રિપોર્ટ કરાયેલા ડેટા કરતા 5.1 અબજ ડોલર ઓછા હતા. PSWના આંકડાઓને વધુ સચોટ અને વ્યાપક માનવામાં આવે છે, જે સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના ડેટા કરતા પણ વધુ હતા. આ એ જ આંકડા છે જેનો ઉપયોગ દેશના બાહ્ય સંતુલનની ગણતરીમાં થાય છે.

આઇએમએફ દ્વારા પારદર્શિતાની માંગ

IMF એ તેની સમીક્ષા વાતચીત શરૂ થાય તે પહેલાં જ પાકિસ્તાન સ્ટેટિસ્ટિક્સ બ્યુરો (PBS) નો સંપર્ક કર્યો હતો. IMF એ ભલામણ કરી છે કે પાકિસ્તાન સરકાર ડેટા યુઝર્સ અને સરકાર વચ્ચેનો અવિશ્વાસ દૂર કરવા માટે, વેપાર આંકડાઓમાં આવેલી વિસંગતતા અને પદ્ધતિમાં થયેલા ફેરફારોને સ્પષ્ટ કરવા માટે એક પારદર્શક સંચાર નીતિ અપનાવે.

પાકિસ્તાની અધિકારીઓએ ભૂલ સ્વીકારી

રિપોર્ટ અનુસાર, પાકિસ્તાની અધિકારીઓએ પોતે જ આ ભૂલ સ્વીકારી છે. તેમના મતે, આ ‘ઓછી રિપોર્ટિંગ’ (Under-reporting) મુખ્ય વેપાર આંકડાઓના સ્રોત તરીકે PRAL માંથી PSW માં થયેલા ફેરફારનું પરિણામ હતું. જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે, ટેક્સટાઇલ સેક્ટરમાં જ લગભગ $૩ બિલિયન અને મેટલ આયાતમાં $૧ બિલિયન જેટલી ઓછી રિપોર્ટિંગ કરવામાં આવી હતી.

PM શહબાઝ શરીફનું એક્શન કે દેખાડો?

IMF ની કડક કાર્યવાહીથી પાકિસ્તાન સરકાર પણ હચમચી ઉઠી છે. રિપોર્ટ મુજબ, વડાપ્રધાન શહબાઝ શરીફે જાહેરાત કરી છે કે તેમની સરકાર IMF પરની નિર્ભરતા સમાપ્ત કરવા માટે પગલાં લઈ રહી છે. તેમણે આ ભૂલોની તપાસ માટે તાત્કાલિક એક સમિતિ પણ બનાવી છે. જોકે, આ રિપોર્ટ બહાર આવ્યા બાદ પાકિસ્તાનની આર્થિક વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચો…ભારતના સખત વિરોધ છતાં IMF પાકિસ્તાનને ભંડોળ આપવા પર અડગ! શું છે IMFનો જવાબ?

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button