ઈરાન બોર્ડર પાસે ગોળીબારમાં 9 પાકિસ્તાની નાગરીકોના મોત, તણાવ વધવાની શક્યતા
ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં ઈરાનના હવાઈ હુમલા બાદ બંને દેશો વચ્ચે તાણવ વધતો જઈ રહ્યો છે, એવામાં ગઈ કાલે શનિવારે પાકિસ્તાનને અડીને આવેલા ઈરાનના દક્ષિણ-પૂર્વ સરહદ વિસ્તારમાં અજાણ્યા બંદૂકધારીઓએ 9 લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. ઈરાનમાં પાકિસ્તાનના રાજદૂતે આ ઘટનાની પુષ્ટિ કરી છે. ઈરાનના મીડિયાનું કહેવું છે કે પોલીસ ત્રણ બંદૂકધારીઓની શોધ કરી રહી છે જેઓ ગોળીબાર બાદ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.
આ ઘટના અંગે પાકિસ્તાનના રાજદૂત મુહમ્મદ મુદસ્સીર ટીપુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, સરાવન વિસ્તારમાં 9 પાકિસ્તાની નાગરીકોઓની ભયાનક હત્યાથી ઊંડો આઘાત લાગ્યો. દૂતાવાસ તેમના નિધન પર શોક વ્યક્ત કરે છે અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. અમે ઈરાનને આ મામલે સંપૂર્ણ સહયોગ આપવા વિનંતી કરી છે.
આ ઘટના પર ઈરાનના સરકારી મીડિયાએ કહ્યું કે સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતના સરાવનમાં થયેલા ફાયરિંગની જવાબદારી કોઈ વ્યક્તિ કે જૂથે લીધી નથી. જ્યારે બલૂચ અધિકાર જૂથ હલવાશે તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે મૃતક પાકિસ્તાની મજૂરો હતા જેઓ ઓટો રિપેર શોપમાં કામ કરતા હતા અને ત્યાં રહેતા હતા. આ ઘટનામાં 9 પાકિસ્તાનીઓના મોત ઉપરાંત ત્રણ અન્ય લોકો પણ ઘાયલ થયા છે.
પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું કે, આ એક ભયાનક અને ઘૃણાસ્પદ ઘટના છે અને અમે તેની નિંદા કરીએ છીએ. અમે ઈરાની પ્રસાશનના સંપર્કમાં છીએ અને ઘટનાની તાત્કાલિક તપાસ કરવાની અને તેમાં સામેલ લોકોને જવાબદાર ઠેરવવાની જરૂરિયાત પર ભાર મુકીએ છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં લાંબા સમયથી સુરક્ષાદળો અને આતંકવાદીઓ તેમજ ડ્રગ્સ સ્મગલરો વચ્ચે અથડામણ થઈ રહી છે. ઈરાનમાં ઈંધણના ભાવ વિશ્વમાં સૌથી ઓછા છે અને તેના કારણે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ ઈંધણની દાણચોરી થઈ રહી છે.