પાકિસ્તાનમાં મિસાઇલ પરીક્ષણ નિષ્ફળ, વિશ્વની સુરક્ષા ખતરામાં
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે આખી દુનિયાને હેરાન કરી દીધી છે. દુનિયા પરેશાન થાય કે ન થાય, પરંતુ ભારત માટે તો આ સમાચાર ગંભીર ખતરાથી કંઇ કમ નથી. ભારતે હવે જાગૃત થઈને કંઈક કરવું જ પડશે. આધારભૂત સૂત્રો પાસેથી મળતા સમાચાર મુજબ પાકિસ્તાનના એક શ્રેષ્ઠ મિસાઈલનું પરીક્ષણ નિષ્ફળ ગયું છે.
ભૂખમરો, બેરોજગારી, ગરીબી, અરાજકતા અને આત્યંતિક ઇસ્લામિક કટ્ટરવાદના દારૂગોળા પર બનેલું પાકિસ્તાન ગુપ્ત રીતે મિસાઇલ પરીક્ષણો કરી રહ્યું હતું. કમનસીબે તેનું પરીક્ષણ નિષ્ફળ ગયું. દુનિયાને આવા ખતરનાક અકસ્માતની જાણ થઇને હોબાળો ના થાય તે માટે હાલમાં તો પાકિસ્તાને આ વિસ્તારમાં ઇન્ટરનેટ પ્રતિબંધ લાદી દીધા છે.
પાકિસ્તાન આ બધું કરી રહ્યું હતું, અને વિશ્વને તેની કોઈ ખબર નહોતી. જે મિસાઈલનું પરીક્ષણ નિષ્ફળ ગયું તે શાહીન છે. તે અણુ બૉમ્બ વહન કરવા સક્ષમ છે. જો કે, આ પરીક્ષણ કયા હેતુથી કરવામાં આવ્યું હતું તે સ્પષ્ટ નથી. સૂત્રોને ટાંકીને જાણવા મળ્યું છે કે, ટેસ્ટિંગ દરમિયાન બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ એટલો ખતરનાક હતો કે તેનો પડઘો 50 કિમી દૂર સુધી સંભળાયો હતો. પાકિસ્તાની પોલીસે ડેરા ગાઝી ખાનના વિસ્તારને સીલ કરી દીધો છે, જ્યાં વિસ્ફોટ થયો હતો.
જ્યારથી પાકિસ્તાન પરમાણુ સંપન્ન દેશ બન્યું છે ત્યારથી ઇસ્લામિક આતંકવાદીઓની નજર બોમ્બના ભંડાર પર છે. તેઓ આ ભંડારનો ઉપયોગ ભારત અને કેટલાક પશ્ચિમી દેશો સામે જેહાદમાં કરવા માંગે છે. હવે આ પણ કોઈ છુપી વાત નથી. પરમાણુ બોમ્બને લઈને આતંકવાદીઓએ ઘણી વખત જાહેરમાં પોતાના ઈરાદા સ્પષ્ટ કર્યા છે.
પાકિસ્તાનની બહુમતી પ્રજા અને તેમના ઘણા ટોચના નેતાઓએ વારંવાર પુનરોચ્ચાર કર્યો છે કે તેમની પાસે પરમાણુ બોમ્બ છે, તેથી દુનિયાએ તેને મદદ કરતા રહેવું જોઈએ. તહરીક-એ-લબૈક પાકિસ્તાનના પ્રમુખ મૌલાના સાદ રિઝવીએ તો જાહેરમાં પાકિસ્તાનને કહ્યું હતું કે પાકિસ્તાન પાસે પાંચ કિલોના પરમાણુ બોમ્બ છે.
દેશને ગરીબીમાંથી બહાર લાવવા માટે તેણે હાથમાં પરમાણુ બૉમ્બ લઇને વિશ્વને મદદ કરવા આદેશ આપવાની ધમકી ઉચ્ચારી હતી. ‘પાકિસ્તાન સરકારે દુનિયાને પોતાના પગ પર લાવવી પડશે. આ માટે તેણે જમણા હાથમાં કુરાન અને બીજા હાથમાં એટમ બોમ્બનું બોક્સ લઇને વિશ્વ સાથે વાટાઘાટ કરવી જોઇએ. તો દુનિયા પાકિસ્તાનના કદમોમાં આવી જશે,’ એમ સાદે કહ્યું હતું.
પાકિસ્તાનના એક પૂર્વ મંત્રીએ તો કહ્યું હતું કે પાકિસ્તાન પાસે પાંચ કિલોના પરમાણુ બોમ્બ છે, એનો ઉપયોગ કરો તો ભારત હંમેશ માટે શાંત થઇ જશે. સોશિયલ મીડિયા પર ભારત વિરોધી ઝેર ઓકતા હજારો વીડિયો પડ્યા છે જે દર્શાવે છે કે જે દેશના નેતાઓ, મૌલાનાઓ, આતંકવાદીઓ, ખેલાડીઓ, કલાકારો વગેરેની આ વિચારસરણી હોય તે દેશનું પરમાણુ સક્ષમ હોવું ભારત જેવા પાડોશી દેશો માટે કેટલું જોખમી છે!