આતંકવાદી હુમલાથી પાકિસ્તાન પરેશાનઃ જાન્યુઆરીના હુમલામાં નોંધાયો વધારો
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં જાન્યુઆરી ૨૦૨૫માં આતંકવાદી હુમલાઓમાં ભારે વધારો નોંધાયો હતો. જે ગત મહિનાની સરખામણીએ ૪૨ ટકા વધુ છે, એમ અહીંની જાણીતી થિંક ટેન્કે જણાવ્યું હતું.
પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ફોર કોન્ફિલક્ટ એન્ડ સિક્યુરિટી સ્ટડીઝ(પીઆઇસીએસએસ) દ્વારા જાહેર કરાયેલા ડેટાને ટાંકીને ડોને અહેવાલ આપ્યો હતો કે દેશભરમાં ઓછામાં ઓછા ૭૪ આતંકવાદી હુમલાઓ નોંધાયા છે. જેમાં ૯૧ લોકોના મોત થયા છે. આ હુમલામાં માર્યા જનારા લોકોમાં ૩૫ સુરક્ષાકર્મી, ૨૦ નાગરિક અને ૩૬ આતંકવાદીઓ સામેલ છે. જ્યારે ૧૧૭ લોકો ઘાયલ થયા હતા. જેમાં ૫૩ સુરક્ષા દળના જવાનો, ૫૪ નાગરિકો અને ૧૦ આતંકવાદીઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ૧૮ સુરક્ષાકર્મીના મોતઃ ૨૩ આતંકી ઠાર…
આ અહેવાલમાં સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા સઘન આતંકવાદ વિરોધી અભિયાન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. જેના કારણે જાન્યુઆરીમાં ઓછામાં ઓછા ૧૮૫ આતંકવાદીઓનો સફાયો થયો હતો, જે ૨૦૧૬ પછી આતંકવાદીઓના જાનહાનિના સંદર્ભમાં બીજો સૌથી ઘાતક મહિનો બન્યો હતો. ૨૦૧૬ પછી એક મહિનામાં સૌથી વધુ આતંકવાદીઓ ડિસેમ્બર ૨૦૨૪માં માર્યા ગયા હતા, આ માસમાં સુરક્ષા દળોએ ૧૯૦ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
આ પણ વાંચો: ઇન્ડોનેશિયન રાષ્ટ્રપતિએ પાકિસ્તાન સરકારનું અપમાન કર્યું! ભારત પર લાગ્યા ગંભીર આરોપ
જાન્યુઆરીમાં આતંકવાદી હુમલાઓ અને સુરક્ષા અભિયાનોમાં કુલ ૨૪૫ લોકોના મોત થયા હતા. જેમાં ૧૮૫ આતંકવાદીઓ, ૪૦ સુરક્ષા દળના કર્મચારીઓ અને ૨૦ નાગરિકો સામેલ હતા. ખૈબર પખ્તુનખ્વા(કેપી) સૌથી વધુ પ્રભાવિત પ્રાંત રહ્યો હતો.
ત્યાર બાદ બ્લૂચિસ્તાનનો ક્રમ આવે છે. કેપીના વસ્તીવાળા જિલ્લાઓમાં બળવાખોરોએ ૨૭ હુમલા કર્યા હતા. જેમાં ૧૯ લોકો માર્યા ગયા હતા. જેમાં ૧૧ સુરક્ષા કર્મચારીઓ, છ નાગરિકો અને બે આતંકવાદીઓનો સમાવેશ થાય છે.