ઇસ્લામાબાદ બ્લાસ્ટ કેસમાં એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ, હુમલાખોર પેશાવરનો રહેવાસી

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં શિયા મસ્જિદ પર શુક્રવારે થયેલા હુમલામાં વડાપ્ર્ધાન શાહબાઝ શરીફની મુશ્કેલીઓ વધી છે. પોલીસના જણાવ્યા અનુસાર મસ્જિદમાં હુમલો કરનારા યાસીર પેશાવરનો રહેવાસી છે. આ કેસમાં પોલીસે એક મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. ત્રણેય પાકિસ્તાની નાગરિક હતા. આ વાત ખુદ પાકિસ્તાનની તપાસ એજન્સીઓએ જ જાહેર કરી છે.
બ્લાસ્ટમાં 70 લોકો માર્યા ગયા
આ બ્લાસ્ટ કેસમાં પાકિસ્તાની પોલીસે ખૈબર પખ્તુનખ્વાના પેશાવરમાં બે પુરુષો અને એક મહિલાની ધરપકડ કરી છે. આ બ્લાસ્ટમાં 70 લોકો માર્યા ગયા છે અને 169 લોકો ઘાયલ છે. ઇસ્લામાબાદના તરલાઈ વિસ્તારમાં ખાદીજા અલ-કુબ્રા મસ્જિદ-કમ-ઇમામ્બરગાહમાં એક આત્મઘાતી બોમ્બરે પોતાને ઉડાવી દીધો હતો. જે તાજેતરના વર્ષોમાં શિયા સમુદાય પર થયેલા સૌથી ઘાતક આતંકવાદી હુમલાઓમાંનો એક છે.
ઓળખપત્રમાં હુમલાખોરની ઓળખ યાસીર તરીકે થઈ
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારે મોડી રાત્રે એક કાર્યવાહીમાં કથિત આત્મઘાતી બોમ્બરના બે ભાઈઓ અને એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછપરછ ચાલુ છે. આ ઉપરાંત તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર તેમની પાસેથી મળેલા ઓળખપત્રમાં હુમલાખોરની ઓળખ યાસીર તરીકે થઈ છે. સત્તાવાર રેકોર્ડ દર્શાવે છે કે તેનું કાયમી સરનામું અબ્બાસ કોલોની, શિરો જંગી, ચારસદ્દા રોડ, પેશાવર હતું. જ્યારે તેનું કામચલાઉ નિવાસસ્થાન ગંજ મોહલ્લાહ કાઝિયાન, પેશાવરમાં હતું.
હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ (ISIS)ખોરાસન પ્રાંતે લીધી
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે હુમલાખોરે ઇસ્લામાબાદ આત્મઘાતી હુમલા પહેલા લગભગ પાંચ મહિના અફઘાનિસ્તાનમાં વિતાવ્યા હતા.જ્યાં તેણે શસ્ત્રો અને આત્મઘાતી હુમલાઓની ઔપચારિક તાલીમ મેળવી હતી. આ ખુલાસા બાદ તપાસ એજન્સીઓ હુમલા પાછળના નેટવર્કને ઓળખવા અને તેને તોડી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.આ હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ (ISIS)ખોરાસન પ્રાંત (IS-K) દ્વારા લેવામાં આવી હતી. જેણે અગાઉ પાકિસ્તાનમાં શિયા સમુદાય પર હુમલા કર્યા છે. આ હુમલો વર્ષ 2008માં ઇસ્લામાબાદમાં માર્કેટ હોટલમાં થયેલા બોમ્બ વિસ્ફોટ પછીનો સૌથી ઘાતક હુમલો છે.



