નફ્ફટ પાકિસ્તાને પોતાની ટી-20 લીગ રોકવી પડી, હવે આ દેશમાં રમાશે…
વિદેશી ખેલાડીઓ ભાગવાની તૈયારીમાં હતા એટલે નાક બચાવવા નિર્ણય લીધો

કરાચી: 22મી એપ્રિલે કાશ્મીરના પહલગામમાં ઘાતક આતંકવાદી હુમલો કરાવ્યા બાદ બદમાશ પાકિસ્તાન (PAKISTAN) હવે ભારતના સંરક્ષણ ક્ષેત્રના આક્રમણમાં માર ખાવા લાગ્યું એટલે એની ધરતી પર ઘણા સમીકરણો બદલાવા લાગ્યા છે જેમાં ખાસ કરીને એની ટી-20 ટૂર્નામેન્ટ ખોરવાઈ ગઈ છે. પાકિસ્તાન સુપર લીગ (PSL)ની બાકીની મૅચો હવે થોડા દિવસ પછી દુબઈ (DUBAI)માં રમાશે.
ભારતે જોરદાર વળતો હુમલો શરૂ કર્યો એટલે પાકિસ્તાનમાં પીએસએલ રમવા આવેલા વિદેશી ખેલાડીઓ પાકિસ્તાન છોડી જવાની તૈયારીમાં હતા. પરિણામે, ગભરાયેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ પોતાની આ ટૂર્નામેન્ટની બાકીની મૅચો દુબઈમાં રાખી દેવાનું તરત નક્કી કરી લીધું હતું.
મોટાભાગના વિદેશી ખેલાડીઓ દુબઈ પહોંચી ગયા છે અને હવે બાકી રહેલી આઠ મૅચો માટે નવું શેડ્યૂલ બનાવવામાં આવશે.
ગુરુવારે રાવલપિંડીમાં કરાચી કિંગ્સ અને પેશાવર ઝલ્મી વચ્ચે મૅચ રમાવાની હતી, પરંતુ પાકિસ્તાન લશ્કરે પોતાનું નાક બચાવવા ભારત સાથે યુદ્ધ શરૂ કરી દેતાં તમામ વિદેશી ખેલાડીઓ ડરી ગયા હતા અને પાકિસ્તાન છોડી જવાની તૈયારીમાં હતા ત્યારે પીસીબીના ચીફ મોહસિન નકવીએ તેમની (વિદેશી પ્લેયરો) સાથે મીટિંગ રાખીને જાહેરાત કરી હતી કે હવે આ ટૂર્નામેન્ટની બાકી રહેલી મૅચો યુએઈમાં (દુબઈમાં) રમાશે.
આ પણ વાંચો “રાવલપિંડી સ્ટેડિયમમાં આકાશી વીજળી પડી છે” વાયરલ વીડિયોએ ખોલી નાખી પાકિસ્તાનની પોલ
મૂળ સમયપત્રક પ્રમાણે ચાર મૅચ રાવલપિંડીમાં, એક મુલતાનમાં અને બાકીની ત્રણ લાહોરમાં રમાવાની હતી.
પીએસએલની આ 10મી સીઝન છે. 2016માં પાકિસ્તાને યુએઈમાં જ પીએસએલનો આરંભ કર્યો હતો. 2021ની સાલમાં કોવિડ-19ને કારણે પણ પીએસએલ યુએઈમાં રાખવામાં આવી હતી.
હવે પાકિસ્તાને દુબઈમાં રમાનારી પીએસએલની મૅચોનું શેડ્યૂલ એ રીતે ગોઠવવું પડશે કે જેમાં બાંગ્લાદેશની ટીમ પોતાને ત્યાં જે ટી-20 સિરીઝ રમવા આવવાની છે એના આયોજનને વિપરીત અસર ન થાય.