રાજકીય મતભેદ ઉકેલવા પાકિસ્તાન સરકાર અને ઇમરાન ખાનની પાર્ટી વચ્ચે ગુરુવારે બેઠક

ઈસ્લામાબાદઃ પાકિસ્તાન સરકાર અને વિપક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના નેતાઓ રાજકીય મતભેદોને ઉકેલવા માટે ગુરુવારે બંધબારણે એક બેઠક કરશે. મંગળવારે એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી હતી.
આ બેઠક નેશનલ એસેમ્બલીના સ્પીકર સરદાર અયાઝ સાદિકે બોલાવી હતી. દૈનિક અખબાર ‘એક્સપ્રેસ ટ્રિબ્યુન’ એ એક રિપોર્ટમાં કહ્યું હતું કે બેઠક સવારે 11 વાગ્યે સંસદ ભવન ખાતે યોજાશે અને 23 ડિસેમ્બરે શરૂ થયેલી વાટાઘાટોને આગળ વધારવામાં આવશે તેવી સંભાવના છે. જેલમાં બંધ પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન દ્વારા સ્થાપિત પીટીઆઈ આંતરિક વિચાર વિમર્શ બાદ આગામી સત્ર દરમિયાન લેખિતમાં બે મુખ્ય માંગણીઓ રજૂ કરવાની તૈયારી કરી રહી છે.
Also read: ઇમરાન ખાનની ધરપકડ થવાની શક્યતા
આ માંગણીઓમાં 9 મે, 2023ની હિંસક ઘટનાઓ અને ઈસ્લામાબાદમાં 26 નવેમ્બરના રોજ પીટીઆઇ કાર્યકર્તાઓ પર કરવામાં આવેલી કાર્યવાહીની તપાસ માટે ન્યાયિક કમિશનની રચના અને 72 વર્ષીય ખાન સહિત તમામ રાજકીય કેદીઓને મુક્ત કરવાનો સમાવેશ થાય છે. નેશનલ એસેમ્બલીના પૂર્વ સ્પીકર અને પીટીઆઈ નેતા અસદ કૈસરે આ માંગણીઓનો ફરીથી ઉલ્લેખ કરતા કહ્યું કે પાર્ટી 9 મે અને 26 નવેમ્બરની ઘટનાઓની તપાસ માટે કમિશનની રચનાની માંગ પર અડગ છે.
તેમણે ખાનની મુક્તિની આવશ્યકતા પર પણ ભાર મૂક્યો હતો. બંને પક્ષો વચ્ચે 23 ડિસેમ્બરે થયેલી પ્રથમ મંત્રણાને સકારાત્મક ગણાવવામાં આવી હતી અને આ દરમિયાન તેઓ વાટાઘાટો ચાલુ રાખવા સંમત થયા હતા.