Pakistan જેલમાં બંધ પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન જામીન માટે હાઈકોર્ટ પહોંચ્યા, સોમવારે સુનાવણી

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં(Pakistan)9 મે 2023 ના રોજ થયેલી હિંસા સંબંધિત આઠ કેસોમાં ધરપકડ બાદ જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને લાહોર હાઇકોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી છે. આ કેસોમાં એક વરિષ્ઠ લશ્કરી અધિકારીના નિવાસસ્થાન પર હુમલો પણ સામેલ છે. શનિવારે લાહોર હાઈકોર્ટ સમક્ષ અલગ-અલગ જામીન અરજીઓ દાખલ કરવામાં આવી હતી. ગત વર્ષે નવેમ્બરમાં લાહોરની આતંકવાદ વિરોધી કોર્ટે આ કેસોમાં ખાનને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચો: ઈમરાન ખાનને કોર્ટે જેલમુક્તિ આપી હોવા છતાં તેમના નસીબમાં હજુ જેલવાસ યથાવત!
એક ડઝન લશ્કરી બિલ્ડિંગમાં તોડફોડ કરી હતી
ઈમરાન ખાને પોતાની અરજીઓમાં દલીલ કરી હતી કે 9 મેના રોજ તેમની ધરપકડ બાદ ફાટી નીકળેલી હિંસામાં ફરિયાદ પક્ષ તેમની સંડોવણી સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. 9 મે 2023 ના રોજ ઇસ્લામાબાદ હાઇકોર્ટ સંકુલમાંથી અર્ધલશ્કરી રેન્જર્સ દ્વારા ખાનની ધરપકડ બાદ હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. તેમના પક્ષના કાર્યકરોએ જિન્ના હાઉસ, મિયાંવાલી એરબેઝ અને ફૈસલાબાદમાં આઈએસઆઈ બિલ્ડિંગ સહિત એક ડઝન લશ્કરી બિલ્ડિંગમાં તોડફોડ કરી હતી.
હાઈકોર્ટ સોમવારે ખાનની અરજી પર વિચાર કરી શકે છે
ટોળાએ રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટર (GHQ)પર પણ હુમલો કર્યો. ઈમરાન ખાને કહ્યું કે ફક્ત રાજકીય કારણોસર તેમને હેરાન કરવા અને અપમાનિત કરવાના સુનિયોજિત કાવતરા ના પરિણામે તેમને 9 મેના કેસોમાં ફસાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ કેસોમાં તેમની સામે એકમાત્ર આરોપ ઉશ્કેરણી નો છે.જે ફરિયાદ પક્ષ દ્વારા ખૂબ જ અસ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યો છે. લાહોર હાઈકોર્ટ સોમવારે ખાનની અરજી પર વિચાર કરી શકે છે. ખાન ઓગસ્ટ 2023 થી અનેક કેસોના સંબંધમાં જેલમાં છે.