ભારતની લોકસભા ચૂંટણીના પરિણામ પર પાકિસ્તાન ખેડૂતોની નજર, જાણો શું છે કારણ
![Pakistan's farmers look at the result of India's Lok Sabha election, know what is the reason](/wp-content/uploads/2024/05/Preksha-MS-20.jpg)
ઇસ્લામાબાદ: ભારતમાં લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election) માટે 7મા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જુનના રોજ થવાનું છે, 4થી જુનના રોજ પરિણામ (Election Result) આવતાની સાથે જ કોની સરકાર બનશેએ ચિત્ર સ્પષ્ટ થઇ જશે. આ ચૂંટણીના પરિણામો પર ભારત ઉપરાંત પાકિસ્તાનના ખેડૂતો(Pakistan farmers)નું પણ ધ્યાન છે. ભારત દ્વારા બિન-બાસમતી ચોખાની નિકાસ પરના પ્રતિબંધથી પાકિસ્તાનના ખેડૂતોને ઘણો ફાયદો થયો છે, જો ચૂંટણી પરિણામ બાદ આ પ્રતિબંધ હટાવવામાં આવેતો ખેડૂતોને ઉપજના ઓછા ભાવ મળી શકે છે.
પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ ડેટા દર્શાવે છે કે 10 મહિનામાં (જુલાઈ-એપ્રિલ FY24) ચોખાની નિકાસ 5 મિલિયન ટનના આંકને વટાવી ગઈ છે, જેનાથી પાકિસ્તાનને ગયા વર્ષના સમાન સમયગાળામાં $1.8 બિલિયનની સરખામણીમાં $3.4 બિલિયનનું વિદેશી હૂંડિયામણ મળ્યું હતું. પરંતુ પાકિસ્તાનને એ વાતની પણ ચિંતા છે કે જો ભારત ચૂંટણી પછી નિકાસ પ્રતિબંધ હટાવે તો તેના ખેડૂતો પર આફત આવી શકે છે.
પાકિસ્તાનના એક અખબારના અહેવાલ અનુસાર 30 જૂને પૂરા થતા આ નાણાકીય વર્ષમાં પાકિસ્તાનમાંથી ચોખાની નિકાસ 58 લાખ ટનના આંકડાને સ્પર્શી શકે છે. આટલા મોટા પાયા પર ચોખાની નિકાસનું મુખ્ય કારણ માત્ર ભારતમાંથી બિન-બાસમતી ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ જ નથી, પરંતુ સાનુકૂળ હવામાને પણ મોટી ભૂમિકા ભજવી છે.
આ પણ વાંચો : ખેડૂતોના વિરોધ, પાકિસ્તાન મુદ્દે આવી ફારૂક અબ્દુલ્લાની પ્રતિક્રિયા
પાકિસ્તાનમાંથી બિન-બાસમતી ચોખાની નિકાસમાં 32 ટકાનો અભૂતપૂર્વ વધારો નોંધાયો છે અને બાસમતી ચોખાની નિકાસમાં 24 ટકાનો વધારો થયો છે.
પાકિસ્તાનના કૃષિ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે દેશની ચોખાની નિકાસમાં અભૂતપૂર્વ તેજી આવી છે કારણ કે હવામાન અનુકૂળ રહ્યું છે, ખેડૂતોને ચોખાના ઉત્પાદન માટે તમામ સુવિધાઓ મળી છે, સરકાર અને ખાનગી ક્ષેત્રે હાઇબ્રિડ બિયારણનો વિકાસ કર્યો છે અને ખેડૂતોને સરકારી સહાય મળી.
ગયા વર્ષે જુલાઈમાં, ભારતે બાસમતી ચોખા સિવાય તમામ પ્રકારના કાચા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. સ્થાનિક માંગને પહોંચી વળવા અને ચોખાના વધતા ભાવને રોકવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.