Pakistan Elections: પાકિસ્તાનમાં રચાયો ઇતિહાસ, ભુટ્ટોના પક્ષના હિંદુ બ્રાહ્મણ ઉમેદવાર 1.38 લાખ મતથી જીત્યા
પાકિસ્તાનની ચૂંટણીમાં આ વખતે કુલ 3 પક્ષો મેદાને-જંગમાં છે, PTI, PML-N અને PPP. જેમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી કે જે બિલાવલ ભુટ્ટો(Bilawal Bhutto) ની પાર્ટી છે તેની ટિકિટ પરથી થરપારકર બેઠક માટે ચૂંટણી લડનાર હિન્દુ ઉમેદવાર મહેશ કુમાર મલાની (Maheshkumar Malani)1.32 લાખ મતથી જીતનારા પહેલા બિન-મુસ્લીમ વ્યક્તિ બન્યા છે. તેઓ 2018માં પણ PPP પક્ષ તરફથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. આમ, મોટાભાગની બેઠકો પર ઇમરાન ખાન (Imran Khan)ને સમર્થન આપનારા ઉમેદવારોના ધસારા વચ્ચે અમુક છુટીછવાઇ એવી પણ બેઠકો છે કે જ્યાંના ઉમેદવારોની લોકપ્રિયતાને કારણે તેઓ ચૂંટણીનું મેદાન ફતેહ કરી શક્યા છે.
મહેશ કુમાર મલાની છેક બેનઝીર ભુટ્ટોના સમયથી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સાથે જોડાયેલા છે. થરપારકર વિસ્તાર એ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલો છે જે મોટેભાગે હિંદુ બહુમતી ધરાવે છે. ખાસ કરીને સિંધી તથા અન્ય હિંદુ જ્ઞાતિઓના લોકો આ વિસ્તારમાં રહે છે. આ વિસ્તાર જો કે આર્થિક રીતે અત્યંત પછાત ગણાય છે. અહીં ચૂંટણીમાં બહુમત માટે પક્ષને 66 બેઠકોની જ જરૂર છે. આ વખતે આ પ્રાંતમાંથી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને 84 બેઠકો પર જીત મળી છે. આમ સિંધ પ્રાંતમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનો દબદબો યથાવત છે.
મહેશ કુમાર મલાની જે મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે તેમાં મુસ્લિમ મતદારો પણ ઘણી સંખ્યામાં છે, તેઓ મુસ્લિમ મતદારોમાં પણ લોકપ્રિયતા ધરાવે છે. તેઓ સામાન્ય કેટેગરીની બેઠક પરથી જ ચૂંટણી લડ્યા હતા. તેમની સામે ગ્રાન્ડ ડેમોક્રેટિક એલાયન્સના ઉમેદવારે ચૂંટણી લડી હતી. જેને 1 લાખ 13 હજાર વોટ મળ્યા હતા.