ઇન્ટરનેશનલ

પાકિસ્તાનની ચૂંટણીમાં ગેરરીતિ, ધમાલ અંગે અધિકારીઓના ખુલાસાથી રાજકારણમાં હલચલ, ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના

ઈસ્લામાબાદઃ તાજેતરમાં જ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ યોજાઇ ગઇ, જેમાં કોઇ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી, પણ ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટીએ ચૂંટણીમાં ગેરરીતિ, ધમાલ અંગે આક્ષેપો કર્યા હતા. હવે આ ચૂંટણીમાં ગેરરીતિ, ધમાલ અંગે ઉચ્ચ અધિકારીના ખુલાસાથી રાજકારણમાં હલચલ મચી ગઈ છે. પાકિસ્તાનના એક કમિશનરે પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે તેમની સામે જ ચૂંટણીમાં ધાંધલ ધમાલ કરવામાં આવી હતી. એટલું જ નહીં, તેમને હારેલા ઉમેદવારોને 50 હજાર મતોથી જીતાડવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે, આવું અનૈતિક કામ કરવા કરતા કમિશનરે પોતાના પદ પરથી રાજીનામું આપવાનું મુનાસિબ માન્યું હતું. તેમના આવા આક્ષોપો પછી પીટીઆઈ કાર્યકર્તાઓ પાકિસ્તાનની સડકો પર વિરોધમાં ઉતરી આવ્યા છે. ઈમરાન ખાન શરૂઆતથી જ ચૂંટણીમાં ધાંધલધમાલના આરોપો લગાવતા રહ્યા છે. તેથી હવે પાકિસ્તાનના ચૂંટણી પંચે એક ઉચ્ચ વહીવટી અધિકારી દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે.

આ સમિતિ એ આરોપોની તપાસ કરશે કે રાવલપિંડીની ચૂંટણીમાં ન્યાયતંત્ર અને ચૂંટણી પંચની ઉશ્કેરણી પર જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી સાથે કોઇ ગેરરીતિ થઈ હતી કે નહીં. રાવલપિંડીના ભૂતપૂર્વ કમિશનર લિયાકત અલી ચટ્ટાએ શનિવારે આક્ષેપ કર્યો હતો કે શહેરમાં ચૂંટણી હારેલા ઉમેદવારોને વિજયી બનાવવામાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે રાવલપિંડીમાં 13 ઉમેદવારોને બળપૂર્વક વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટીએ 8 ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ધાંધલધમાલ અને પાર્ટીને આપવામાં આવેલ જનાદેશ છીનવી લેવા સામે દેશવ્યાપી વિરોધ શરૂ કર્યો છે.


પાકિસ્તાની અખબાર ‘ડોન’માં પ્રકાશિત એક સમાચારમાં, રાવલપિંડીના ભૂતપૂર્વ કમિશનરે જણાવ્યું હતું કે, “હું આ ધાંધલધમાલ માટે સંપૂર્ણ જવાબદારી લઉં છું અને કહું છું કે મુખ્ય ચૂંટણી કમિશનર અને મુખ્ય ન્યાયાધીશ આમાં સંપૂર્ણ રીતે સામેલ છે.” ચટ્ટાએ ચૂંટણીમાં ગેરરીતિઓ અને ગરબડ માટે “જવાબદારી” સ્વીકારીને પદ પરથી રાજીનામું આપ્યું હતું. પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP)એ મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ ચટ્ટા દ્વારા લગાવવામાં આવેલા આરોપોને સખત રીતે ફગાવી દીધા છે. ECP એ આરોપો પર ચર્ચા કરવા માટે એક તાકીદની બેઠક યોજી હતી અને આરોપોની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર સિકંદર સુલતાન રઝાએ વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં હાજરી આપી હતી. બીજી તરફ, રાવલપિંડીના નવનિયુક્ત કમિશનર સૈફ અનવર જપ્પાએ સામાન્ય ચૂંટણીમાં ગેરરીતિઓ અંગે ભૂતપૂર્વ કમિશનર દ્વારા કરાયેલા તમામ આરોપોને ફગાવી દીધા હતા. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ચૂંટણીમાં કમિશનરની ભૂમિકા માત્ર સંકલન સાધવા સુધી જ સીમિત હોય ​​છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button