ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Pakistan Election Result: ચૂંટણી પરિણામોમાં વિલંબ, ઈમરાન સમર્થિત ઉમેદવારો અને શરીફની પાર્ટી વચ્ચે જંગ

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં ગઈ કાલે છૂટીછવાયી હિંસાની ઘટનાઓ, ગેરરીતી અને અને મોબાઇલ ફોન બંધ કરવાના આરોપો વચ્ચે મતદાન યોજાયું હતું. પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP) એ આજે શુક્રવારે વહેલી સવારે ચૂંટણીના પ્રથમ પરિણામો જાહેર કર્યા હતા. ECPના વિશેષ સચિવ ઝફર ઇકબાલે શુક્રવારે સવારે 3 વાગ્યે ઇસ્લામાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં પ્રથમ પરિણામોની જાહેરાત કરી.

મતદાન મથકો બંધ થયાના 13 કલાકથી વધુ સમય પછી, પાકિસ્તાન ચૂંટણી પંચ (ECP) માત્ર આઠ નેશનલ એસેમ્બલીના પરિણામો જાહેર કરી શક્યું છે. સવારે 6 વાગ્યાના ટ્રેન્ડ મુજબ, આઠમાંથી ત્રણ બેઠકો PTI સાથે જોડાયેલા ઉમેદવારોએ જીતી છે.


પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો છે કે ઈમરાન ખાનને સમર્થન કરી રહેલા અપક્ષ ઉમેદવારો 150થી વધુ સીટો પર આગળ છે. સોશિયલ યુઝર્સ અનુસાર, PTI સમર્થિત ઉમેદવારોએ 154 નેશનલ એસેમ્બલી સીટો પર લીડ મેળવી છે. જ્યારે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) પાર્ટી 47-47 સીટો પર આગળ ચાલી રહી છે. વલણો અનુસાર, મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ (MQM) અને જમિયત ઉલેમા-એ-ઈસ્લામ (F) 4-4 બેઠકો પર આગળ છે.


પાકિસ્તાનની 336 નેશનલ એસેમ્બલી સીટોમાંથી 266 માટે મતદાન થાય છે, પરંતુ બાજૌરમાં, એક ઉમેદવારના હુમલામાં માર્યા ગયા બાદ મતદાન સ્થગિત કરવામાં આવ્યું હતું. અન્ય 60 બેઠકો મહિલાઓ માટે અને 10 બેઠકો લઘુમતીઓ માટે અનામત છે. નવી સરકાર બનાવવા માટે કોઈપણ પક્ષને 265માંથી 133 બેઠકો જીતવી પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button