Pakistan Election: પાકિસ્તાનમાં આજે મતદાન, આર્મીનો નવાઝ પર દાવ! ચૂંટણીમાં ભારત મહત્વનો મુદ્દો…
ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં રાજકીય અફરાતફરી અને હિંસા વચ્ચે નવી સરકારની રચના માટે આજે ચૂંટણી યોજાવા જઈ રહી છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન જેલમાં હોવાને કારણે મુખ્ય સ્પર્ધા નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ (PMLN) અને બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) વચ્ચે રહેશે. અહેવાલો મુજબ નવાઝ શરીફ આ રેસમાં સૌથી આગળ છે અને તેઓ ચોથી વખત વડાપ્રધાન પદ પર બેસી શકે છે. તેનું મુખ્ય કારણ તેમને સેના તરફથી મળી રહેલું સમર્થન છે.
અહેવાલો મુજબ ‘પ્રોજેક્ટ ઈમરાન’ પછી પાકિસ્તાન સેનાએ નવાઝ શરીફ પર દાવ લગાવ્યો છે. નવાઝ શરીફની જીત સુનિશ્ચિત કરવા પાછળનું કારણ પાકિસ્તાન આર્મીની ગુડ બુકમાં તેમનું ટોચ પર હોવું છે. ઈમરાન ખાન સાથે સેનાનો તણાવ વધી ગયો છે, જેના કારણે પાકિસ્તાનમાં નવાઝ શરીફની પસંદગી નિશ્ચિત માનવામાં આવી રહી છે.
પાકિસ્તાનના અગ્રણી પત્રકારો અને રાજકીય જાણકારો ટીવી પર ખુલ્લેઆમ સ્વીકાર કરી રહ્યા છે કે નવાઝ શરીફ ફરી એકવાર પીએમ આવાસમાં પરત ફરશે. શરીફ પાંચ વર્ષ પહેલા કરોડો રૂપિયાની ઉચાપતના કેસમાં દોષિત ઠર્યા બાદ તેમને ચૂંટણી લડતા અટકાવવામાં આવ્યા હતા. પાકિસ્તાનની કોર્ટે તેને 10 વર્ષની આજીવન કેદની સજા સંભળાવી છે, પરંતુ તેમ છતાં નવાઝ શરીફને પાકિસ્તાનના રાજકારણમાં પરત ફર્યા છે.
પાકિસ્તાનની દરેક ચૂંટણીમાં ભારત મોટો મુદ્દો રહે છે. નવાઝ શરીફ ભારત સાથેની મિત્રતાને પોતાના ટ્રમ્પ કાર્ડ તરીકે રજૂ કરી રહ્યા છે. તેઓ જનતાને યાદ અપાવી રહ્યા છે કે અટલ બિહારી વાજપેયીથી લઈને નરેન્દ્ર મોદી સુધીના દરેક તેમની સરકારમાં પાકિસ્તાન આવ્યા હતા. એવા પણ અહેવાલો છે કે નવાઝ શરીફ ભારત સાથે સંબંધો સુધારવા ઈચ્છે છે.
નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એનએ તેના મેનિફેસ્ટોમાં ભારતને ‘શાંતિનો સંદેશ’ આપવાનું વચન આપ્યું છે. જો કે તેમાં એક શરત એવી પણ છે કે ભારતે કાશ્મીરનો વિશેષ દરજ્જો પરત કરવો પડશે.
પાકિસ્તાનમાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેશભરમાં લગભગ 650,000 સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ચૂંટણીમાં દેશના 12.85 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. સુરક્ષાના કારણોસર સરકારે અફઘાનિસ્તાન અને ઈરાન સાથેની સરહદો સીલ કરી દીધી છે. મતદાન અધિકારીઓની દેખરેખ હેઠળ 90 હજારથી વધુ મતદાન મથકો પર મતદાન સામગ્રી પહોંચાડવામાં આવી હતી.
ચૂંટણી પંચે દેશભરમાં કુલ 90,7675 મતદાન મથકો તૈયાર કર્યા છે. જેમાં પુરૂષ મતદારો માટે 25,320, મહિલાઓ માટે 23,952 અને અન્ય માટે 41,402 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. પંચનું કહેવું છે કે 44 હજાર મતદાન મથકો સામાન્ય છે જ્યારે 29,985 સંવેદનશીલ વિસ્તારોમાં છે. જ્યારે 16,766 અત્યંત સંવેદનશીલ છે.