
પાકિસ્તાનને ભારતને યુદ્ધની ધમકી આપી રહ્યું છે તો બીજી તરફ તેનું અર્થતંત્ર ખાડે ગયું છે. જેમાં હાલમાં પ્રકાશમાં આવેલા પાકિસ્તાનના દેવાના આંકડા અર્થતંત્રના સંકટના સંકેત આપે છે. જેમાં નાણાકીય વર્ષ 2024-25 માટે પાકિસ્તાની આર્થિક સમીક્ષાનો અહેવાલ પાકિસ્તાન માટે આંચકા સમાન છે. જ્યારે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં પાકિસ્તાનનું દેવું હવે 76,000 અબજ પાકિસ્તાની રૂપિયા સુધી વધી ગયું છે. દેવાના આ બોજના કારણે અર્થતંત્રનો વિકાસ દર પણ 2.7 ટકા રહેવાનો અંદાજ છે.
દસ વર્ષમાં દેવું લગભગ પાંચ ગણું વધ્યું
પાકિસ્તાન પર દેવાનો બોજ વધીને 76,007 અબજ પાકિસ્તાની રૂપિયા થઈ ગયો છે. આ આંકડો ભારતીય રૂપિયામાં 23.1 ટ્રિલિયન રૂપિયા અથવા લગભગ 269.3 અબજ યુએસ ડોલર જેટલો છે. જે દર્શાવે છે કે દેવાનો બોજ માત્ર ચાર વર્ષમાં બમણો થયો છે. આ આંકડા મુજબ વર્ષ 2020-21માં પાકિસ્તાન પર 39,860 અબજ પાકિસ્તાની રૂપિયાનું દેવું હતું.
નાણાકીય પરિસ્થિતિ વિશે ચેતવણી
આર્થિક અહેવાલમાં દેશની નાણાકીય પરિસ્થિતિ વિશે ચેતવણી આપવામાં આવી છે કે વધુ પડતું અથવા નબળી રીતે સંચાલિત દેવું ગંભીર નબળાઈઓ ઊભી કરી શકે છે. જેમ કે વ્યાજનો બોજ વધવો અને જો અવગણવામાં આવશે તો લાંબા ગાળાની નાણાકીય સ્થિરતા અને આર્થિક સુરક્ષાને નુકસાન પહોંચાડી શકે છે. એક દાયકા પહેલા, દેશનું જાહેર દેવું 17,380 અબજ પાકિસ્તાની રૂપિયા હતું. જેનો અર્થ છે કે દસ વર્ષમાં દેવું લગભગ પાંચ ગણું વધ્યું છે.
આપણ વાંચો: લોસ એન્જલસમાં સેના મોકલવા બદલ ટ્રમ્પ વહીવટીતંત્ર પર કેસ, કેલિફોર્નિયા સરકારે કહ્યું ટ્રમ્પે હદ વટાવી
છેલ્લા બે વર્ષથી અર્થતંત્ર સુધારાના માર્ગ પર હોવાનો દાવો
પાકિસ્તાનનું નાણાકીય વર્ષ 1 જુલાઈથી શરૂ થાય છે. જેમાં સમીક્ષા મુજબ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં સરકારનું દેવું વધીને 76,000 અબજ પાકિસ્તાની રૂપિયા થયું છે. જેમાં સ્થાનિક બેંકોમાંથી 51,500 અબજ પાકિસ્તાની રૂપિયા અને બાહ્ય સ્ત્રોતોમાંથી 24,500 અબજ પાકિસ્તાની રૂપિયાનો સમાવેશ થાય છે. પાકિસ્તાનના નાણામંત્રી મુહમ્મદ ઔરંગઝેબે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી અર્થતંત્ર સુધારાના માર્ગ પર છે. ચાલુ નાણાકીય વર્ષમાં આ પ્રક્રિયા વધુ મજબૂત બની છે. આ સમીક્ષા નાણાકીય વર્ષ 2024-25 માં સરકારના આર્થિક પ્રદર્શનને પ્રકાશિત કરે છે.