ડૂબતા પાકિસ્તાનને કોઇ કરી રહ્યું છે મદદ?
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની હાલત કંગાળ થઈ ગઈ છે. ગરીબીની ગર્તામાં સરી પડેલા આ દેશને ભંડોળની સખત જરૂર છે. આર્થિક હાલત ડામાડોળ હોવાને કારણે મોંઘવારી પણ રેકોર્ડ તોડી રહી છે. શાકભાજીથી લઈને પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેના કારણે અહીં રહેતા લોકોનું બજેટ પણ ખતમ થવાના આરે છે.
આ સ્થિતિ વચ્ચે હવે પાકિસ્તાન પાસે IMF પાસેથી જ એકમાત્ર આશા જ બચી છે. પાકિસ્તાનને ફંડ આપવા માટે 11 જાન્યુઆરીએ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની બેઠક યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, કેટલાક અહેવાલો અનુસાર, પાકિસ્તાનને આ મહિને 700 મિલિયન ડોલર એટલે કે 70 કરોડ ડોલર મળવાની આશા છે. આ ફંડથી પાકિસ્તાનને મોટી મદદ મળી શકે છે.
પાકિસ્તાની મીડિયાએ એવો અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાન ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) બોર્ડ પાસેથી $3 બિલિયન બેલઆઉટ ફંડમાંથી $700 મિલિયન મેળવવાની રાહ જોઈ રહ્યું છે. બોર્ડ સાથેની બેઠક બાદ પાકિસ્તાનને આ ફંડ મળી શકે છે. જો કે, અહેવાલ માને છે કે IMF સંભવિતપણે અંતિમ મંજૂરી આપવા માટે તૈયાર છે. આ બેઠક 8, 10 અને 11 જાન્યુઆરીએ યોજાશે. $3 બિલિયન બેલઆઉટ ફંડમાંથી, $1.8 બિલિયન પાકિસ્તાન માટે બાકી છે.
નોંધનીય છે કે IMFએ અગાઉ પણ પાકિસ્તાનને ફંડ આપ્યું હતું. પાકિસ્તાન માટેના $3 બિલિયન બેલઆઉટ ફંડમાંથી, $1.2 બિલિયન ગયા વર્ષે જુલાઈમાં આપવામાં આવ્યા હતા. આ સાથે IMFએ કેટલીક શરતો પણ મૂકી હતી, જેને પૂરી કરવા માટે વીજળી અને અન્ય વસ્તુઓ પર ટેક્સ લાદવામાં આવ્યો હતો. નવેમ્બર 2023 માં નવા ભંડોળના રિલીઝને લઈને IMFના સ્ટાફ અને પાકિસ્તાની અધિકારીઓ વચ્ચે સમજૂતી થઈ હતી, જે આ મહિને રિલીઝ થઈ શકે છે.
IMFએ અગાઉ શ્રીલંકાને પણ લોન આપી હતી, જેથી શ્રીલંકાની આર્થિક સ્થિતિ સ્થિર થઈ શકે. IMF એક એવી સંસ્થા છે, જે આર્થિક મુશ્કેલીમાં સપડાયેલા દેશને મદદ કરે છે. જોકે, એ માટે IMFકેટલીક કડક શરતો પણ મૂકે છે, જે લોન લેનાર દેશે પૂરી કરવી પડે છે. ત્યાર બાદ જ લોન મળે છે. IMFની માંગણીઓ પૂરી કરીને પાકિસ્તાનને મિત્ર દેશો તેમજ અન્ય ધિરાણકર્તાઓ પાસેથી ફંડ મળ્યું હતું.