Pakistan: POKમાં સ્થિતિ વણસી, મોંઘવારીથી ત્રસ્ત લોકો રસ્તાઓ પર ઉતર્યા
પાકિસ્તાન (Pakistan Crisis) અધિકૃત કાશ્મીર (PoK)માં સ્થિતિ વણસી રહી છે. વીજળીની કટોકટી, મોંઘવારી અને ટેક્સના વધેલા દરોથી પરેશાન લોકોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. રાજધાની મુઝફ્ફરાબાદમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. સ્થિતિ એવી છે કે જનતા અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ શરૂ થઈ ગયું છે. અનેક જગ્યાએ હડતાળ અને દેખાવો થઈ રહ્યા છે. જેના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. દળો અને દેખાવકારો વચ્ચે અથડામણને કારણે તણાવ ચરમસીમા પર છે.
પોલીસે રાજધાની મુઝફ્ફરાબાદમાં પ્રદર્શનકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી, જેના કારણે સ્થિતિ નિયંત્રણ બહાર ગઈ. અહેવાલો અનુસાર, દડિયાલ, મીરપુર, સમહાની, સેહંસા, રાવલકોટ, ખુઇરટ્ટા, તત્તાપાની અને હટ્ટિયન બાલા સહિત PoKના ઘણા ભાગોમાં સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.
મુઝફ્ફરાબાદમાં જમ્મુ અને કાશ્મીર જોઈન્ટ અવામી એક્શન કમિટી (JKJAAC) દ્વારા બોલાવવામાં આવેલા બંધ અને નાકાબંધી દરમિયાન, પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને હવામાં ગોળીબાર પણ કર્યો. એટલું જ નહીં, પોલીસે રાતોરાત દરોડા પાડ્યા હતા, જેના પરિણામે ઘણા નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે અવામી એક્શન કમિટીએ મંગળા ડેમમાંથી કરમુક્ત વીજળી અને લોટ પર સબસિડીની માંગ સાથે વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું. સમિતિએ અગાઉ 11 મેના રોજ મુઝફ્ફરાબાદ તરફ લોંગ માર્ચની યોજના જાહેર કરી હતી.
પીઓકેમાં થઈ રહેલા હિંસક વિરોધ પ્રદર્શનની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં દેખાવકારો સુરક્ષાકર્મીઓને લાકડીઓ વડે મારતા અને પીછો કરતા જોઈ શકાય છે. તે જ સમયે વહીવટીતંત્રે પાકિસ્તાન રેન્જર્સ અને ફ્રન્ટિયર કોર્પ્સના વધારાના સૈનિકો તૈનાત કરીને અને કાર્યકરોની ધરપકડ કરીને આ વિરોધને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
પાકિસ્તાનના લોકો કમરતોડ મોંઘવારી સાથે સંઘર્ષ કરી રહ્યા છે, જે $3 બિલિયનના નાણાકીય સહાય પેકેજને મંજૂરી આપતી વખતે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા લાદવામાં આવેલી કડક શરતોને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. વિજળીના દરમાં વધારાને કારણે સમસ્યાઓ વધી છે અને પાકિસ્તાનમાં લોકોને રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે.
સૂત્રોએ જણાવ્યું કે હડતાળના ડરને કારણે સરકારે સમગ્ર PoKમાં કલમ 144 લાગુ કરી હતી અને 10 અને 11 મેના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી હતી. જો કે પીઓકેના તમામ જિલ્લાઓમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.