પેશાવરમાં પણ પાકિસ્તાનીઓએ રાજ કપૂરની ૧૦૦મી જન્મજયંતિ ઉજવી
પેશાવરઃ પાકિસ્તાની સંસ્કૃતિના રસિકો અને ફિલ્મ પ્રેમીઓ શનિવારે પેશાવરના ઐતિહાસિક કપૂર હાઉસમાં બોલીવુડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા અને અભિનેતા રાજ કપૂરની ૧૦૦મી જન્મજયંતિની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. ભારતીય સિનેમાની સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાંના એક કપૂરની જન્મ શતાબ્દી નિમિત્તે કેક કટિંગ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું.
કાર્યક્રમના સહભાગીઓએ રાજ કપૂર અને બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના પૈતૃક ઘરોના નવીનીકરણ માટે ૧૦૦ મિલિયન રૂપિયા ફાળવવાની વિશ્વ બેંકની જાહેરાતનું પણ સ્વાગત કર્યું હતું. પ્રસિદ્ધ કિસ્સા ખ્વાની બજારની નજીક આવેલા બંને ઘરો પેશાવરના ભારતીય સિનેમા સાથેના ઊંડા સંબંધોના પ્રતીક તરીકે જોવામાં આવે છે.
કલ્ચરલ હેરિટેજ કાઉન્સિલ(સીએચસી) અને ડિરેક્ટોરેટ ઓફ આર્કિયોલોજી ખૈબર પખ્તુનખ્વા દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ કાર્યક્રમમાં કપૂરના વારસાને યાદ કરવા માટે મોટા પાયે કાર્યક્રમોનું આયોજન કરવાની હાકલ કરવામાં આવી હતી.
અહીં ઉપસ્થિત લોકોએ કપૂરના પાકિસ્તાન સાથેના જોડાણ પર ભાર મૂક્યો હતો. જ્યાં તેનો જન્મ પેશાવરના ઢાકી નાલબંદીમાં થયો હતો અને સિનેમા પર તેમના કાયમી પ્રભાવની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન પાકિસ્તાન-ઇરાન વેપાર અને રોકાણ પરિષદના સચિવ મુહમ્મદ હુસૈન હૈદરી હતા.
૧૪ ડિસેમ્બર, ૧૯૨૪ના રોજ જન્મેલા કપૂર દિગ્ગજ અભિનેતા પૃથ્વીરાજ કપૂરના પુત્ર હતા. તેમણે તેમની ૪૦ વર્ષની શાનદાર કારકિર્દી દરમિયાન આવારા, બરસાત, શ્રી ૪૨૦, સંગમ અને મેરા નામ જોકર જેવી ઉત્તમ ફિલ્મો બનાવી હતી. વર્ષ ૧૯૮૮માં તેમનું નિધન થયું હતું.
ભારતીય ફિલ્મ ઉદ્યોગના જાણીતા લેખક અને સંશોધક ઇબ્રાહિમ ઝિયાએ પેશાવરમાં રાજ કપૂરના બાળપણ અને કિશોરાવસ્થાના પ્રારંભિક વર્ષોના દુર્લભ ફોટોગ્રાફ્સ રજૂ કર્યા હતા. તેમણે ૧૯૪૦ના દાયકાથી શરૂ થયેલી અભિનેતાની શાનદાર કારકિર્દી વિશે પણ માહિતી આપી હતી. તેમણે રોમાન્સ અને કોમેડીથી લઇને ટ્રેજેડી સુધીની તમામ શૈલીઓમાં કપૂરની બહુમુખી પ્રતિભા પર પ્રકાશ પાડ્યો હતો. જેણે તેમને ભારતીય સિનેમાના મહાન શોમેન તરીકે સ્થાપિત કર્યા હતા.