પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ, ચાર લોકોના મોત ,20 ઘાયલ

કરાચી: પાકિસ્તાનના બલુચિસ્તાનમાં એક બજાર નજીક થયેલા બોમ્બ વિસ્ફોટમાં ચાર લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. રવિવારે બલુચિસ્તાનના કિલ્લા અબ્દુલ્લા જિલ્લામાં જબ્બર માર્કેટ નજીક આ વિસ્ફોટ થયો હતો. જેના કારણે અનેક બિલ્ડિંગોને ભારે નુકસાન થયું હતું અને લોકોમાં ભય ફેલાયો હતો. એક અખબારે અહેવાલ આપ્યો છે કે વિસ્ફોટ બાદ ઘણી દુકાનો ધરાશાયી થઈ ગઈ અને અનેક સંસ્થાઓમાં આગ લાગી હતી.
વિસ્ફોટ બાદ અધિકારીઓએ વિસ્તાર સીલ કરી દીધો
આ વિસ્ફોટ બાદ કિલા અબ્દુલ્લાના ડેપ્યુટી કમિશનર રિયાઝ ખાને જણાવ્યું હતું કે વિસ્ફોટમાં ચાર લોકો માર્યા ગયા છે અને 20 અન્ય ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે આ બજાર ફ્રન્ટિયર કોર્પ્સ કિલ્લાની પાછળની દિવાલ પાસે આવેલું હતું. વિસ્ફોટ પછી અજાણ્યા હુમલાખોરો અને એફસી કર્મચારીઓ વચ્ચે ગોળીબાર થયો. આ વિસ્ફોટ બાદ અધિકારીઓએ વિસ્તાર સીલ કરી દીધો છે. આ વિસ્તારને ખાલી કરાવવામાં આવી રહ્યો છે. જ્યારે ઘાયલોમાં હાજી ફૈજુલ્લા ખાન ગાબીઝાઈના સુરક્ષા ગાર્ડ અને અન્ય ઘણા લોકોનો સમાવેશ થાય છે.
ચેકપોસ્ટને નિશાન બનાવીને ગોળીબાર કરવામાં આવ્યો
જ્યારે ખુઝદાર જિલ્લાના નાલ વિસ્તારમાં ગોળીબાર થયાના થોડા દિવસો પછી જબ્બર માર્કેટ પાસે વિસ્ફોટ થયો. નાલ વિસ્તારમાં એક ચેકપોસ્ટને નિશાન બનાવીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગોળીબારમાં 4 લેવી જવાનો માર્યા ગયા. પાકિસ્તાનમાં લેવીઓ એ અર્ધલશ્કરી દળો છે જે ગ્રામીણ વિસ્તારો, બલુચિસ્તાન જેવા આદિવાસી વિસ્તારોમાં સુરક્ષા માટે જવાબદાર છે.
આપણ વાંચો: જો બાઈડનને ગંભીર પ્રોસ્ટેટ કેન્સર, ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસે સ્વસ્થ થવાની કામના કરી…
બલુચિસ્તાન પ્રાંતમાં અશાંતિ
બલુચિસ્તાન લગભગ બે દાયકાથી અશાંતિનો સામનો કરી રહ્યું છે. જેમાં સ્થાનિક વંશીય બલુચ જૂથો અને પક્ષો પાકિસ્તાન સરકાર પર પ્રાંતની ખનિજ સંપત્તિનું શોષણ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. તાજેતરમાં બલૂચ બળવાખોરોએ પાકિસ્તાની સુરક્ષા દળોને નિશાન બનાવીને અનેક ઘાતક હુમલાઓ કર્યા છે.