
વોશિંગ્ટનઃ 22 એપ્રિલે પહલગામમાં પ્રવાસી પર થયેલા આતંકી હુમલાનો બદલો ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો હતો. ભારતની કાર્યવાહીથી રઘવાયા થયેલા પાકિસ્તાને ભારતના ઘણા શહેરોને નિશાન બનાવવાની કોશિશ કરી હતી પરંતુ સેનાએ તમામ પ્રયત્નો નિષ્ફળ બનાવ્યા હતા. જે બાદ પાકિસ્તાને ભારત વિરુદ્ધ જૂઠ્ઠાણા ફેલાવ્યા હતા. મોદી સરકારે વિવિધ દેશોમાં બહુપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કર્યું હતું. આ ઘટનાક્રમ પછી પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ આસિમ મુનીર રણનીતિક યાત્રા પર અમેરિકામાં છે. આ પહેલા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મુનીર શનિવારે વોશિંગ્ટન ડીસીમાં અમેરિકન સૈન્ય પરેડમાં સામેલ થશે. જોકે વ્હાઈટ હાઉસ દ્વારા રિપોર્ટનું ખંડન કરવામાં આવ્યું હતું. સમારોહમાં કોઈ વિદેશી સૈન્ય નેતાને આમંત્રણ આપવામાં આવ્યું ન હોવાનું વ્હાઈટ હાઉસે સ્પષ્ટતા કરી હતી.
મુનીરની આ યાત્રાનું ખાસ મહત્ત્વ છે. ભારત સાથે ગત મહિને થયેલા સંઘર્ષ બાદ અમેરિકા સાથે સતત વાતચીત કરી રહ્યું છે. મુનીર અમેરિકન જનરલ સાથે મુલાકાત કરવા માંગતા હતા પરંતુ ઈરાન ઈઝરાયલ સંઘર્ષથી અડચણો આવી છે. 13 જૂને ઈઝરાયલ દ્વારા ઈરાનના ન્યૂક્લિયર સાઈટ્સ પર હુમલો કર્યા બાદ ઈસ્લામાબાદે તેહરાનને સમર્થન જાહેર કર્યું છે. પાકિસ્તાનના નેતા મુસ્લિમ દેશો માટે એકજૂથ થવા અને ઈરાન સામે ઇઝરાયલની કાર્યવીહની નિંદાનો આગ્રહ કરી રહ્યા છે.
ઈરાનના ટોચના જનરલના હવાલાથી આવેલા અહેવાલ મુજબ, જો જેરુસલમે તેહરાન સામે આ પ્રકારની કાર્યવાહીનો રસ્તો અપનાવશે તો ઇઝરાયલ પર પરમાણુ બોમ્બ ફેંકવાની પાકિસ્તાની કસમ ખાધી છે. જેને લઈ મુનીર મુશ્કેલીમાં મુકાયા છે.
આ પણ વાંચો - ઈરાન-ઇઝરાયલ તણાવ: ઈરાન NPTમાંથી બહાર નીકળશે?
સૂત્રોના કહેવા પ્રમાણે, મધ્ય પૂર્વમાં જે તણાવ છે તે પાકિસ્તાની પ્રતિનિધિમંડળ સાથે અમેરિકાની ભાગીદારીને મર્યાદીત કરી શકે છે. પાકિસ્તાન અમેરિકાનું સમર્થન મેળવવા માંગે છે, પરંતુ તેણે ઈઝરાયલના હુમલાની નિંદા કરી છે અને તેહરાન સાથે સંબંધોને મજબૂત કરવા માટે કામ કરી રહ્યું છે. જનરલ મુનીર માટે ઈરાન પ્રત્યેનું કૂણું વલણ મુશ્કેલી ઉભી કરી શકે છે. આ દરમિયાન ઈમરાન ખાનના પક્ષ પીટીઆઈના સભ્યોએ વોશિંગ્ટનમાં ડિજિટલ વેન તૈનાત કરી છે. જેમાં મુનીરને નિશાન બનાવીને વિજ્ઞાપન લગાવવામાં આવી છે. આ વિજ્ઞાપનમાં મુનીરને ઈસ્લામાબાદનો કસાઈ અને છેતરપિંડી કરનારો માર્શલ ગણાવાયા છે.