દોહામાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તાત્કાલિક યુદ્ધવિરામ પર સહમત! હવે ૨૫ ઓક્ટોબરે ઈસ્તંબુલમાં બેઠક.

દોહા: કતરના દોહામાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બંને અંતે યુદ્ધવિરામ માટે સહમત થયા છે. અફઘાનના વિદેશ પ્રધાન આમિર ખાન મુત્તાકીના ભારત પ્રવાસ દરમી યાન પાકિસ્તાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સહિત અનેક ભાગોમાં એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી . જે બાદ બંને દેશ વચ્ચે તણાવ વધી ગયો હતો. જો કે હાલ યુદ્ધવિરામ માટે બંને દેશો સહમત થયા છે. જેની મધ્યસ્થી તુર્કીયે કરી હતી.
તાત્કાલિક યુદ્ધવિરામ પર સહમતિ
કતર દ્વારા આપવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, દોહામાં ૧૯ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે કતર અને તુર્કીયેની મધ્યસ્થી હેઠળ વાટાઘાટોનો એક દોર યોજાયો હતો. આ વાટાઘાટો દરમિયાન, બંને પક્ષો વચ્ચે તાત્કાલિક યુદ્ધવિરામ (Ceasefire) પર સહમતિ સધાઈ હતી, અને બંને દેશો વચ્ચે સ્થાયી શાંતિ અને સ્થિરતાને મજબૂત કરવા માટેની પદ્ધતિઓ સ્થાપિત કરવા પર પણ સંમતિ બની હતી.
વધુમાં, બંને પક્ષોએ યુદ્ધવિરામની સ્થિરતા સુનિશ્ચિત કરવા અને તેની વિશ્વસનીય તથા ટકાઉ રીતે ચકાસણી કરવા માટે આગામી દિવસોમાં ફોલો-અપ બેઠકો યોજવા માટે પણ સહમતિ દર્શાવી હતી, જેનાથી બંને દેશોમાં સુરક્ષા અને સ્થિરતા પ્રાપ્ત કરવામાં યોગદાન મળશે. કતારના વિદેશ મંત્રાલયે આશા વ્યક્ત કરી હતી કે આ મહત્વપૂર્ણ પગલું બંને ભાઈચારાવાળા દેશોની સરહદ પરના તણાવને સમાપ્ત કરવામાં મદદરૂપ થશે અને આ ક્ષેત્રમાં ટકાઉ શાંતિ માટે એક મજબૂત પાયો નાખશે.
અહેવાલો અનુસાર, બંને દેશોના પ્રતિનિધિમંડળો વચ્ચે આગામી વાટાઘાટો 25 ઓક્ટોબરે ઇસ્તંબુલમાં યોજાશે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ રોકવા માટે તુર્કીયે અને કતાર મધ્યસ્થી કરી રહ્યા હતા. કતરના વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે આ કરાર બંને દેશો વચ્ચે શાંતિ અને સુમેળ જાળવવા માટે જરૂરી છે. દોહામાં વાટાઘાટોમાં ભાગ લીધા પછી, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેની વાટાઘાટો હવે 25 ઓક્ટોબરે ઇસ્તંબુલમાં થશે.
આ પણ વાંચો…પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે 48 કલાકનો કામચલાઉ યુદ્ધવિરામ લાગુ, હવે શું કરશે બંને દેશ? જાણો