આતંકવાદી હુમલાથી ધણધણી ઉઠ્યું પાકિસ્તાન
મિયાંવાલી એરબેઝમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર, 14 જવાનો શહીદ, 3 આતંકી ઠાર
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ફરી એકવાર મોટો આતંકી હુમલો થયો છે. આતંકવાદીઓએ પાકિસ્તાન એરફોર્સ બેઝ પર હુમલો કર્યો હોવાના સમાચાર જાણવા મળ્યા છે. પંજાબના મિયાંવાલીમાં પાકિસ્તાન એરફોર્સ બેઝમાં આત્મઘાતી બોમ્બર સહિત અનેક ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ ઘૂસી ગયા હતા, જ્યાં બંને તરફથી ભારે ગોળીબાર થયો હતો. એરબેઝની અંદર જોરદાર જ્વાળાઓ જોવા મળી રહી હતી. તહરીક-એ-જેહાદ નામના સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે.
મળતી માહિતી મુજબ, આત્મઘાતી હુમલાખોરો સીડીઓ દ્વારા ત્યાં પ્રવેશ્યા અને પછી હુમલો શરૂ કર્યો હતો અને એક પછી એક બોમ્બ વિસ્ફોટ પણ કર્યા હતા. નોંધનીય છે કે મિયાંવાલી એ જ એરબેઝ છે જ્યાં ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમની પાર્ટીના સમર્થકોએ હુમલો કર્યો હતો. આ દરમિયાન પાર્ટી સમર્થકોએ એરબેઝની બહાર પાર્ક કરાયેલા એક વિમાનને પણ આગ ચાંપી દીધી હતી.
પાકિસ્તાની સેનાના જણાવ્યા અનુસાર, જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. સેનાના જણાવ્યા અનુસાર આતંકી હુમલાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે. આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલુ છે. આતંકવાદીઓએ ત્રણ વિમાનોને નુકસાન પહોંચાડ્યું છે.
પાકિસ્તાની એરફોર્સ બેઝ પર હુમલો કરીને આતંકવાદીઓએ પાકિસ્તાન સરકારને પડકાર ફેંક્યો છે. પાકિસ્તાન પહેલાથી જ આતંકવાદીઓને આશ્રય આપવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કુખ્યાત છે અને હવે આતંકવાદીઓ દ્વારા પાક એરફોર્સ બેઝ પર હુમલો પાકિસ્તાનના મોઢા પર મોટી થપ્પડ છે.
આ પહેલા શુક્રવારે પણ દારમાં સુરક્ષાદળોને લઈ જઈ રહેલા બે વાહનો પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 14 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (આઇએસપીઆર)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જ્યારે સુરક્ષા કાફલો ગ્વાદર જિલ્લાના પાસનીથી ઓરમારા તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી.