‘આપણે હિન્દુઓથી બિલકુલ અલગ છીએ…..’, પાકિસ્તાનના આર્મી ચીફે આપ્યું વિવાદાસ્પદ નિવેદન

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર (Asim Munir) વિવાદાસ્પદ નિવેદનો આપવા માટે કુખ્યાત છે. વિદેશમાં રહેતા પાકિસ્તાનીઓને ઇસ્લામબાદમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધિત કરતા અસીમ મુનીરે ભારત અને હિંદુઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમના નિવેદનોના વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. આ કાર્યક્રમમાં પાકિસ્તાનનાં વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ હાજર રહ્યા હતાં.
અસીમ મુનીરે કાર્યક્રમમાં સંબોધન આપતા કહ્યું કે આપણે આપણા જીવનના દરેક મુદ્દે હિન્દુઓથી અલગ છીએ. તમારે સમજવું જોઈએ કે આપણો ધર્મ, આપણી વિચારધારા, આપણી પરંપરાઓ આપણી મહત્વાકાંક્ષાઓ અલગ છે. આ બે રાષ્ટ્ર સિદ્ધાંતનો પાયો છે. તેથી જ આપણા પૂર્વજોએ પાકિસ્તાનનો પાયો નાખ્યો હતો.
આ પણ વાંચો: પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીરે અમેરિકામાં ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો
મુનીરે કહ્યું, “તમારે તમારા બાળકોને આ વાત સમજાવવી જોઈએ જેથી તેઓ પાકિસ્તાનની વાત ક્યારેય ન ભૂલે. આપણા પૂર્વજોએ ખૂબ બલિદાન આપ્યું છે અને આપણે પણ આ દેશ બનાવવા માટે ઘણું બલિદાન આપ્યું છે. મારા પ્રિય ભાઈઓ અને બહેનો, દીકરાઓ અને દીકરીઓ, આ વાત ભૂલશો નહીં.”
નિવેદનમાં અસીમ મુનીરે વિદેશમાં રહેતા પાકિસ્તાનીઓ પાસેથી નાણાકીય મદદની પણ અપીલ કરી. તેમણે કહ્યું કે અત્યાર સુધી તમે પૈસા મોકલીને અને રોકાણ કરીને તમારા દેશ પ્રત્યે ઘણો પ્રેમ દર્શાવ્યો છે. તમારે એ ન ભૂલવું જોઈએ કે તમે ખૂબ જ શ્રેષ્ઠ વિચારધારા ધરાવતા વ્યક્તિ છો.
આ પણ વાંચો: પાકિસ્તાન અને ચીનની દરેક ચાલથી માહિતગાર Upendra Dwivedi એ સંભાળ્યો આર્મી ચીફનો ચાર્જ, જાણો કોણ છે ?
ઇસ્લામાબાદમાં એક કોન્ફરન્સમાં બોલતા, મુનીરે બલોચ બળવાખોરોને ચેતવણી પણ આપી અને તેમની સામે કાર્યવાહી કરવાની પ્રતિજ્ઞા લીધી. તેમણે કહ્યું કે “આતંકવાદીઓની દસ પેઢીઓ પણ બલુચિસ્તાન અને પાકિસ્તાનને નુકસાન પહોંચાડી શકે નહીં.”
અગાઉ પણ પાકિસ્તાન સેનાએ ધર્મના આધારે આવા કટ્ટરપંથી નિવેદનો આપી ચુક્યા છે.