ભારતીય ધ્વજ ફાડ્યો, ‘માર ડાલો’ના નારા લગાવ્યા; કેનેડામાં ખાલિસ્તાનીઓએ ફરી કરી નાપાક હરકત…

ઓટાવા: કેનેડા વૈશ્વિક સ્તરે ખાલિસ્તાનીઓનું કેન્દ્ર બની રહ્યું હોય તેમ ભારત વિરોધી ગતિવિધિઓથી સતત ચર્ચામાં રહે છે. ત્યારે ઓટાવામાં ખાલિસ્તાની આતંકવાદી સંગઠન ‘સિખ્સ ફોર જસ્ટિસ’ (SFJ) દ્વારા આયોજિત અનૌપચારિક ‘ખાલિસ્તાન જનમત સંગ્રહ’ દરમિયાન ભારતીય તિરંગાનું અપમાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હજારો કેનેડિયન શીખોએ ભાગ લીધો હતો, જ્યાં ભારત વિરોધી અને ‘માર ડાલો’ જેવા ભડકાઉ હિંસક નારા લગાવવામાં આવ્યા હતા.
મળતી વિગતો અનુસાર, ‘સિખ્સ ફોર જસ્ટિસ ભારતમાં તેની ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ પ્રતિબંધિત છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ભારત અને કેનેડાના સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી સુધારો જોવા મળી રહ્યો હતો. આ જનમત સંગ્રહ 23 નવેમ્બરે ઓટાવા સ્થિત મેકનૈબ કોમ્યુનિટી સેન્ટર ખાતે યોજાયો હતો, જેમાં ઓન્ટારિયો, આલ્બર્ટા, બ્રિટિશ કોલમ્બિયા અને ક્યુબેક સહિત વિવિધ પ્રાંતોમાંથી 53,000 થી વધુ ખાલિસ્તાન સમર્થકોએ ભાગ લીધો હોવાનો દાવો SFJ દ્વારા કરવામાં આવ્યો છે.
મતદાન સ્થળની આસપાસ ભારે ભીડ જોવા મળી હતી અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ખાલિસ્તાન સમર્થકો ભારતીય રાજનેતાઓ અને સરકારી અધિકારીઓ વિરુદ્ધ નારા લગાવતા જોવા મળ્યા હતા. ખાલિસ્તાની આતંકવાદી અને SFJના જનરલ કાઉન્સેલ ગુરપતવંત સિંહ પન્નુને સેટેલાઇટ સંદેશ દ્વારા આ કાર્યક્રમના સહભાગીઓને સંબોધિત કર્યા હતા. મતદાન પ્રક્રિયાના અંતે, ખાલિસ્તાની સમર્થકો દ્વારા ભારતીય ધ્વજનું અપમાન કરવામાં આવ્યું હતું, જેના દ્રશ્યો સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ખાલિસ્તાન તરફી પ્રવૃત્તિઓને લઈને ભારત અગાઉ પણ કેનેડા સમક્ષ સખત વાંધો વ્યક્ત કરી ચૂક્યું છે. ઓટાવામાં આ આયોજન બાદ બંને દેશોના તણાવપૂર્ણ સંબંધો પર ફરી એકવાર સવાલ ઉભા થયા છે. ભારતે વારંવાર સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારના જનમત સંગ્રહ ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા પર સીધો હુમલો છે, અને કેનેડાએ તેના દેશમાં સક્રિય ઉગ્રવાદી તત્વો સામે કડક પગલાં લેવા જોઈએ.
આ પણ વાંચો…કેનેડામાં ખાલિસ્તાનીઓના નિશાન પર ભારતીય ફિલ્મો: થિયેટર પર ગોળીબાર અને આગચંપી



